તા. ૧૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૧ શનિવાર
૫૩ વર્ષની વયે અર્જુન રામપાલે પ્રભુતામાં પગલાં પાડ્યા: ૧૪ વર્ષ નાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે ગોવામાં કર્યા રજિસ્ટર્ડ મેરેજ!
૮ વર્ષના ડેટિંગ અને બે બાળકોના પિતા બન્યા બાદ આખરે બોલીવુડ અભિનેતાએ રચાવ્યા લગ્ન; ફેન્સમાં ભારે ઉત્સાહ.

મુંબઈ : બોલીવુડના જાણીતા અભિનેતા અર્જુન રામપાલે ૫૩ વર્ષની વયે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને દક્ષિણ આફ્રિકન મોડેલ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ (૩૯ વર્ષ) સાથે લગ્ન કરી લીધા છે. છેલ્લા ૮ વર્ષથી એકબીજાને ડેટ કરી રહેલા આ કપલે ઉત્તર ગોવાના બાર્ડેઝ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં સત્તાવાર રીતે પોતાના લગ્નની નોંધણી કરાવીને કાયદેસર રીતે પતિ-પત્ની બનવાનો નિર્ણય લીધો છે.
લગ્ન પહેલાં જ શરૂ કરી દીધું હતું ફેમિલી
અર્જુન રામપાલ અને ગેબ્રિએલા વર્ષ ૨૦૧૮ થી રિલેશનશિપમાં છે. બંનેએ ક્યારેય પોતાનો સંબંધ છુપાવ્યો નહોતો. લગ્ન પહેલા જ આ કપલ બે બાળકોના માતા-પિતા બની ચૂક્યું છે, જેમાં તેમના મોટા દીકરા એરિકનો જન્મ ૨૦૧૯ માં અને નાના દીકરા આરવનો જન્મ ૨૦૨૩ માં થયો હતો. સોશિયલ મીડિયા પર આ કપલ અવારનવાર પોતાના પરિવારની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતું રહે છે.
અર્જુન રામપાલના આ બીજા લગ્ન છે
અર્જુન રામપાલના આ બીજા લગ્ન છે. આ પહેલા તેમણે ૧૯૯૮માં ભૂતપૂર્વ સુપરમોડેલ અને બિઝનેસવુમન મહેર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૮ માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો અને ૨૦૧૯ માં તેમના સત્તાવાર છૂટાછેડા થયા હતા. મહેર જેસિયા સાથેના પહેલા લગ્નથી અર્જુનને બે દીકરીઓ પણ છે.
પોડકાસ્ટમાં કર્યો હતો ખુલાસો
હાલમાં જ રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં અર્જુન રામપાલે ખુલાસો કર્યો હતો કે તેમણે ગેબ્રિએલા સાથે સગાઈ કરી લીધી છે. આ જ સંવાદમાં મજાક કરતા અર્જુને કહ્યું હતું કે ગેબ્રિએલા અત્યંત આકર્ષક હોવાથી તેઓ તેનો પીછો કરતા હતા, પરંતુ પાછળથી તેમને સમજાયું કે તેમનો પ્રેમ સંબંધ માત્ર બાહ્ય સુંદરતા પૂરતો મર્યાદિત નથી પણ તે તેનાથી ઘણો ઊંડો છે. ચાહકો હવે આ નવદંપતીના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
