News of Wednesday, 26th August 2026
બોક્સ ઓફિસ પર યશનો ધમાકો: વિવેચકોની નકારાત્મક સમીક્ષાઓ છતાં 'ટોક્સિક' રૂ. ૧૦૦ કરોડ પ્લસની બમ્પર ઓપનિંગ તરફ અગ્રેસર!
નયનતારા, કિયારા અડવાણી અને યશ સ્ટારર મલ્ટિસ્ટારર એક્શન ડ્રામાએ ઓપનિંગ ડે પર ધૂમ મચાવી; હિન્દી અને કન્નડ વર્ઝનમાં એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ તૂટ્યા

મુંબઈ, તા.૨૬: કન્નડ સુપરસ્ટાર યશ (Yash) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક' (Toxic) આજે ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં યશની સાથે નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત જેવા દિગ્ગજ કલાકારોની મોટી ફોજ જોવા મળી રહી છે. વિવેચકો અને દર્શકો તરફથી આ ફિલ્મને મિશ્ર અને નકારાત્મક સમીક્ષાઓ મળી હોવા છતાં, ફિલ્મનું એડવાન્સ બુકિંગ એટલું જબરદસ્ત રહ્યું છે કે તે બોક્સ ઓફિસ પર હિસ્ટોરિકલ ઓપનિંગ મેળવવા તરફ આગળ વધી રહી છે.
શરૂઆતના ટ્રેન્ડ્સ અને અંદાજ મુજબ, ફિલ્મ તમામ ભાષાઓમાં મળીને ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે રૂ. ૧૦૦ કરોડનો આંકડો સરળતાથી પાર કરી લેશે. બોક્સ ઓફિસ નિષ્ણાતોના મતે પહેલા દિવસનું કલેક્શન રૂ. ૧૧૦ થી ૧૨૦ કરોડની આસપાસ રહેવાની શક્યતા છે. જો સાંજ અને રાત્રિના શોમાં દર્શકોનો ઘસારો વધુ વધશે તો આ આંકડો હજુ પણ મોટો થઈ શકે છે.
કમાણીના આંકડા અને બજેટનું ગણિત:
- હિન્દી અને કન્નડ બેલ્ટમાં કમાણી: સૌથી મોટો ધમાકો હિન્દી ડબિંગ વર્ઝનમાં જોવા મળી રહ્યો છે, જ્યાંથી ઓપનિંગ ડે પર રૂ. ૫૦ થી ૬૦ કરોડનું કલેક્શન થવાનો અંદાજ છે. જ્યારે મૂળ કન્નડ ભાષામાંથી ફિલ્મ રૂ. ૩૦ કરોડની આસપાસનો વ્યવસાય કરી શકે છે.
- ભવ્ય બજેટ: નિર્માતાઓ દ્વારા સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ અહેવાલો મુજબ 'ટોક્સિક' અંદાજે રૂ. ૫૦૦ થી ૬૦૦ કરોડના ભવ્ય બજેટમાં તૈયાર કરવામાં આવી છે. તેવામાં પ્રથમ દિવસે જ ૧૦૦ કરોડથી વધુની ઓપનિંગ ફિલ્મ માટે રાહતરૂપ સાબિત થશે.
ક્રિટિક્સની સમીક્ષા અને આગામી પડકાર:
અહેવાલો અનુસાર, ફિલ્મ પોતાની પટકથા અને લંબાઈના કારણે દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ સાધવામાં થોડી નબળી પડી છે. ફ્રી પ્રેસ જર્નલના રિવ્યુઅરે આ ફિલ્મને ૨ સ્ટાર આપતાં જણાવ્યું હતું કે, "ફિલ્મમાં એક શાનદાર સિનેમા બનવાની સંભાવના હતી, પરંતુ નબળી પટકથા, સુસ્ત દિગ્દર્શન અને વધુ પડતી લંબાઈને કારણે તે દર્શકો માટે કંટાળાજનક બની રહે છે."
આ સંજોગોમાં, પહેલા દિવસના બમ્પર એડવાન્સ બુકિંગ બાદ નકારાત્મક 'વર્ડ ઓફ માઉથ' વચ્ચે આગામી દિવસોમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
