<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

તિબેટના ભયાનક પૂરમાં ફસાયા સેંકડો યાત્રાળુઓ: નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ સુરક્ષિત, ક્ષણ-ક્ષણ વિતાવી ભયાનક ખૌફમાં!

કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા દરમિયાન ચીન-તિબેટ સરહદે સર્જાયેલી કુદરતી આપત્તિ વચ્ચે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી આપવીતી; સદ્ગુરુના ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા અનેક શ્રદ્ધાળુઓ ફસાયા.

મુંબઈ, તા.27: પવિત્ર અને અતિ કઠિન ગણાતી કૈલાશ માનસરોવરની યાત્રા અચાનક ભયાનક આપત્તિમાં ફેરવાઈ ગઈ છે. તિબેટના ગ્યિરોંગ વિસ્તારમાં આવેલા ભીષણ પૂરના કારણે ભારતભરમાંથી ગયેલા સેંકડો શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટી ગયા છે. આ જ ખૌફનાક પરિસ્થિતિ વચ્ચે તાજેતરમાં જ યાત્રા પૂર્ણ કરી રહેલી નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી અભિનેત્રી અને ગાયિકા માનસી પારેખ પણ હાજર હતી. સોશિયલ મીડિયા પર પોતાની વિગતો શેર કરીને માનસીએ જણાવ્યું છે કે તે ઈશ્વરની કૃપાથી સંપૂર્ણ સુરક્ષિત છે, પરંતુ ત્યાંના દ્રશ્યો અત્યંત હૃદયદ્રાવક છે.

 

જે સ્થળે માત્ર પાંચ દિવસ પહેલાં સ્થાનિકો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તે આખું ક્ષેત્ર હવે જળબંબાકાર થઈ ચૂક્યું છે. માનસીએ સોશિયલ મીડિયા સ્ટોરીમાં પોતાની વેદના વ્યક્ત કરતાં લખ્યું કે, "જિંદગી કેટલી અનિશ્ચિત છે! જે સ્થળે અમારે કાલે સવારે પહોંચવાનું હતું તે પૂરમાં ગરકાવ થઈ ગયું છે." તેણે ઉમેર્યું કે ઈશા ફાઉન્ડેશન અને ટીમ તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા તથા પૂરમાં ફસાયેલા અન્ય યાત્રાળુઓની શોધખોળ માટે તમામ પ્રયાસો કરી રહી છે.

 

આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુએ પણ ખુલાસો કર્યો હતો કે તિબેટના ગ્યોંગ ઇમિગ્રેશન સેન્ટર નજીક યાત્રા પરત ફરી રહી હતી ત્યારે એક મુખ્ય જૂથ પૂરની લપેટમાં આવી ગયું હતું. માનસરોવરના પવિત્ર કિનારે 40 મિનિટ સુધી અવિસ્મરણીય સાધનાનો દિવ્ય અનુભવ માણનાર માનસી પારેખ માટે આ યાત્રા ભક્તિ અને ભયાનકતાનો એક અજીબ સંગમ બની રહી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, 'કિટની મસ્ત હૈ ઝિંદગી', 'સુમિત સંભાલ લેગા' અને ગુજરાતી ફિલ્મ 'ગોળકેરી'થી ઘરઘરમાં જાણીતી થયેલી માનસી પારેખને વર્ષ 2024માં ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Award) મળ્યો છે. હાલમાં જિંદગી અને મોત વચ્ચેનો આ ખૌફનાક મંજર જોઈને પરત ફરી રહેલી આ અભિનેત્રી ટૂંક સમયમાં નેટફ્લિક્સની વેબ સિરીઝ 'ચુંબક કોલોની'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(3:57 PM IST)