<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ગોવિંદા અને કોમલ રાનીના દર્શનથી આહુજા પરિવારમાં મોટો વિવાદ: 'ઘર તોડનારાઓ' સામે કશ્મીરા શાહનો તીખો હુમલો, સુનીતાએ કહ્યું - "માણસો ધોખેબાજ હોય છે"

ગણેશોત્સવમાં પત્ની વગર કો-સ્ટાર સાથે પંડાલમાં દેખાતાં અફેરની અફવાઓ ગરમાઈ; ભાણેજ કૃષ્ણા અભિષેકે પણ કશ્મીરાની પોસ્ટને લાઈક કરી આપ્યું સમર્થન

મુંબઈ : બોલીવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા અંગત જીવન અને પારિવારિક વિવાદોને કારણે ફરી એકવાર ભારે ચર્ચામાં આવ્યા છે. ગણેશોત્સવ દરમિયાન ગોવિંદા મુંબઈના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા'ના પંડાલમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ટ્રેડિશનલ અંદાજમાં સજ્જ ગોવિંદા સાથે તેમની આગામી ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર પણ જોવા મળી હતી. પત્ની સુનીતાની ગેરહાજરીમાં ઉંમરમાં નાની કો-સ્ટાર સાથે ગણપતિ પંડાલમાં હાજરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ બંને વચ્ચેના કથિત અફેરની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

 

આ વિવાદ વચ્ચે ગોવિંદાની ભાણેજ-વહુ કશ્મીરા શાહે પોતાની મામી-સાસુ સુનીતા આહુજાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર આકરો પલટવાર કર્યો છે. કશ્મીરાએ તીખા શબ્દોમાં લખ્યું હતું કે, લોકો આવી 'મિસ્ટ્રી વુમન'ને શા માટે ગ્લેમરાઈઝ કરી રહ્યા છે? ઘર તોડનારાઓને પ્રોત્સાહન આપવાનું અને પત્નીને છોડીને નાની ઉંમરની યુવતીઓ પાછળ ભાગતા પુરુષોને આદર્શ ગણવાનું બંધ કરવું જોઈએ. કશ્મીરાની આ તીખી પોસ્ટ પર ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેકે લાઈક કરીને ખુલ્લું સમર્થન આપતાં આહુજા પરિવારનો આંતરિક તણાવ ફરી એકવાર સપાટી પર આવી ગયો છે.

 

બીજી તરફ, આ ઘટના બાદ સુનીતા આહુજા મુંબઈ એરપોર્ટ પર પોતાના પાલતુ શ્વાન સાથે જોવા મળ્યા હતા. પેપરાઝી સાથેની વાતચીતમાં તેમણે કોઈનું નામ લીધા વિના સીધો કટાક્ષ કરતા કહ્યું હતું કે, "પ્રાણીઓને પ્રેમ કરો, માણસોને નહીં... માણસો ધોખેબાજ હોય છે." ઉલ્લેખનીય છે કે ૧૯૮૭માં લગ્નગ્રંથિથી જોડાયેલા ગોવિંદા અને સુનીતા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અંતર વધ્યાની અટકળો ચાલી રહી છે, ત્યારે આ તાજેતરની ઘટનાએ આહુજા પરિવારના કકળાટને વધુ હવામાં વહેતો કરી દીધો છે.

(6:49 PM IST)