<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સિનેમાની અનોખી રમત: 'કહાની એક... દાવેદાર અનેક!', એક જ ઐતિહાસિક કે આધ્યાત્મિક વ્યક્તિત્વ પર એકસાથે અનેક ફિલ્મો કેમ બને છે?

દિવ્યકાંત પંડ્યાના આ લેખમાં બોલિવૂડની એ અજીબોગરીબ પ્રથા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જ્યાં એક જ વિષય પર બે કે ત્રણ ફિલ્મો રિલીઝ થવાની હરીફાઈ જામે છે

મુંબઈ, તા.18: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર એક એવો અનોખો સંયોગ જોવા મળે છે જેને સામાન્ય દર્શક માત્ર એક કુદરતી પ્રક્રિયા સમજે છે, પરંતુ સિનેમાની દુનિયા માટે આ એક રસપ્રદ અને ક્યારેક નુકસાનકારક ટેવ રહી છે. થોડાં જ અઠવાડિયા પહેલાં નીમ કરોલી બાબાના જીવન અને પ્રભાવથી પ્રેરિત લોકપ્રિય ફિલ્મ હનુમાન અંશ' રિલીઝ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે આ જ વર્ષમાં નીમ કરોલી બાબા પર આધારિત બીજી ફિલ્મ શ્રી બાબા નીબ કરોરી મહારાજ' પણ આવી ચૂકી છે. ટૂંક સમયના અંતરે એક જ આધ્યાત્મિક વ્યક્તિત્વ પર બે ફિલ્મો દર્શકો સમક્ષ આવી પહોંચી છે.

સિનેમાની દુનિયાનો આ જૂનો સ્વભાવ રહ્યો છે કે જ્યારે કોઈ ફિલ્મમેકરને કોઈ ઐતિહાસિક વ્યક્તિ, સંત, ક્રાંતિકારી કે સેલિબ્રિટી પર ફિલ્મ બનાવવાનો વિચાર આવે છે, ત્યારે અચાનક દેશભરના બીજા ઘણા નિર્માતાઓને પણ એ જ વ્યક્તિમાં રસ પડવા લાગે છે. પરિણામે એક જ વ્યક્તિ પર એકસાથે અનેક ફિલ્મો, વેબ સિરીઝ કે બાયોપિક્સ બનવા લાગે છે.

આ ટ્રેન્ડનો ઇતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 1966માં નેતાજી સુભાષચંદ્ર બોઝ પર સુભાષ ચંદ્ર' અને નેતાજી સુભાષચંદ્ર બોઝ' એમ બે ફિલ્મો આવી હતી. પરંતુ આ ઘટનાનો સૌથી મોટો અને ચર્ચાસ્પદ દાખલો વર્ષ 2002માં જોવા મળ્યો હતો, જે વર્ષ શહીદ ભગતસિંહના નામે લખાયું હોય તેમ ત્રણ ફિલ્મો—શહીદ-એ-આઝમ', ધ લેજન્ડ ઓફ ભગત સિંહ' અને `23થર્ડ માર્ચ 1931: શહીદ' થોડા જ સપ્તાહોના અંતરે રિલીઝ થઈ હતી. એક જ ક્રાંતિકારી પર બનેલી આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર એકબીજાની સ્પર્ધક બની ગઈ હતી અને દર્શકોનું ધ્યાન વહેંચાઈ જવાથી તમામ ફિલ્મોને અસર પડી હતી.

આ જ સિલસિલો 2019માં રાણી લક્ષ્મીબાઈના જીવન પર બનેલી મણિકર્ણિકા' અને ધ વોરિયર ક્વીન ઓફ ઝાંસી' વખતે તેમજ પીએમ નરેન્દ્ર મોદી અને એન.ટી. રામા રાવના જીવન પર બનેલી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તાજેતરમાં 2025માં પણ સંત તુકારામ' અને અભંગ તુકારામ' જેવી ફિલ્મો આ જ પેટર્નને અનુસરે છે. આ પાછળનું મુખ્ય કારણ સાંસ્કૃતિક વાતાવરણ, જન્મજયંતી, ખાસ વર્ષગાંઠ અથવા માર્કેટિંગ સરળ બનવાની ધારણા છે. સૌથી મોટું કારણ એ છે કે ઐતિહાસિક પાત્રો પર કોઈનો કોપીરાઈટ હોતો નથી, જેના કારણે સર્જકોમાં હોડામહોડી શરૂ થઈ જાય છે.

સિનેમામાં પ્રેરણા ખરેખર ચેપી હોય છે, જ્યાં કોઈ વ્યક્તિ કે વિચાર લોકપ્રિય બનતાની સાથે જ દર્શકો ટિકિટ ખરીદે તે પહેલાં જ તેની પર ફિલ્મ બનાવવાની દોડ શરૂ થઈ જાય છે.

(4:42 PM IST)