તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
આમિર ખાનના ત્રીજા લગ્ન પહેલાં જ ભાઈ ફૈસલ ખાન પીગળ્યો: પરિવારની જાહેરમાં બદનામી કરવા બદલ માગી માફી, કહ્યું- "હું હદ વટાવી ગયો હતો"
ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે આમિરના નિકાહ પૂર્વે ફૈસલ ખાને જૂના ઝઘડા ભૂલવા હાથ લંબાવ્યો; માનસિક બીમારી અને પરાણે લગ્નના દબાણ જેવા ગંભીર આક્ષેપો બદલ વ્યક્ત કર્યો પસ્તાવો

મુંબઈ : બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના ઘરમાં ટૂંક સમયમાં જ શરણાઈઓ વાગવા જઈ રહી છે. આમિર ખાન તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વખત લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. પરંતુ આ લગ્ન પહેલાં ખાન પરિવારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનના ભાઈ અને અભિનેતા ફૈસલ ખાને ભૂતકાળમાં પોતાના જ પરિવાર અને બહેન-બનેવી વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ બદલ જાહેરમાં માફી માંગી લીધી છે. ફૈસલે સ્વીકાર્યું છે કે કૌટુંબિક બાબતોને સોશિયલ મીડિયા કે મીડિયા સામે લાવીને તે "હદ વટાવી ગયો હતો" અને હવે તેને આ વાતનો ઊંડો અફસોસ છે.
પોડકાસ્ટમાં છલકાયું ફૈસલનું દર્દ: "મારે એવું નહોતું બોલવું જોઈતું"
ઉજ્જવલ ત્રિવેદીના એક પ્રખ્યાત પોડકાસ્ટમાં દિલ ખોલીને વાત કરતાં ફૈસલ ખાને કહ્યું, "હું સૌથી પહેલા મારી અમ્મી (માતા) ની માફી માંગવા માંગુ છું કે મેં ઘરની વાતો જાહેરમાં કહી. હું અમ્મી અને મારી બહેન નિખતની માફી માંગુ છું. ઘણીવાર માણસ અંદર દબાયેલો ગુસ્સો અને લાગણીઓ એકસાથે બહાર કાઢી નાખે છે. હું મારી બહેન નિખત અને તેના પતિ સંતોષ હેગડે વિશે ઘણું બધું ઓવરબોર્ડ (હદ બહારનું) બોલી ગયો હતો, જે મારે બિલકુલ નહોતું બોલવું જોઈતું, તે ખૂબ જ ખોટું હતું." ફૈસલે ઉમેર્યું કે તેને પોતાની ભૂલો સમજાઈ ગઈ છે અને હવે તે ભાઈ આમિર સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે.
માનસિક બીમારી 'સ્કિઝોફ્રેનિયા' અને ડૉક્ટરોના ખોટા નિદાનનું સત્ય
પોતાના માનસિક સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અફવાઓ અને વિવાદો પર સ્પષ્ટતા કરતાં ફૈસલે કહ્યું કે, "એક સમય એવો હતો જ્યારે મારો પરિવાર મને ડૉક્ટર પાસે લઈ ગયો હતો, પરંતુ કદાચ તે ડૉક્ટરોનું નિદાન ખોટું હતું. જ્યારે કોર્ટે મને સરકારી હોસ્પિટલમાં મોકલ્યો, ત્યારે મને ત્યાં માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવાની ક્લીનચીટ મળી હતી. બની શકે કે કેટલાક ડૉક્ટરોએ મારા પરિવારને ગેરમાર્ગે દોર્યો હોય." ફૈસલે દાવો કર્યો કે તેની મોટી બહેન નિખતે પણ તેને ઘણી વાર કહ્યું છે કે તેને કોઈ 'સ્કિઝોફ્રેનિયા' (ગંભીર માનસિક રોગ) નથી. તે ઈચ્છે છે કે તેનો પરિવાર જૂની કડવાશ ભૂલીને હવે તેના પર વિશ્વાસ કરે.
૨૦૦૫ થી શરૂ થયેલો વિવાદ અને પિતરાઈ માસી સાથે લગ્નનું દબાણ!
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫ માં ફૈસલ ખાને તેના ભાઈ આમિર ખાન અને પરિવાર સાથેના તમામ સંબંધો સત્તાવાર રીતે તોડી નાખ્યા હતા. તેણે વર્ષ ૨૦૦૫ થી પોતાના જીવનને એક ભયાનક દુઃસ્વપ્ન જેવું ગણાવ્યું હતું અને પરિવાર પર ગંભીર દબાણના આક્ષેપો કર્યા હતા. ફૈસલે એવો આઘાતજનક ખુલાસો પણ કર્યો હતો કે તેનો પરિવાર ઈચ્છતો હતો કે તે તેની પિતરાઈ માસી (માતાની પિતરાઈ બહેન) સાથે લગ્ન કરી લે. આ જ ઝઘડા અંતર્ગત ૨૦૧૬ માં તેણે પરિવાર સામે એક કાનૂની લડાઈ પણ જીતી હતી. જો કે, હવે આમિર ખાનના ત્રીજા લગ્ન પ્રસંગે ફૈસલ ખાનના બદલાયેલા સૂરથી પરિવારમાં ફરીથી ખુશીઓ પાછી ફરે તેવી આશા બંધાઈ છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
