<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

અક્ષય-પ્રિયદર્શનની જોડીનો જાદુ ચાલ્યો: 'ભૂત બંગલા' એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, સાંજ સુધીમાં કલેક્શન ₹10 કરોડને પાર!

14 વર્ષ પછી ખેલાડી કુમારનો હોરર-કોમેડી અવતાર જોઈ ચાહકો પાગલ; પેઇડ પ્રિવ્યૂ અને ઓપનિંગ ડેના આંકડાએ મચાવ્યો હોબાળો, રાત સુધીમાં મોટી કમાણીની આશા

મુંબઈ : બહુપ્રતિક્ષિત હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' આજે 17 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને અક્ષય કુમારના ચાહકો માટે આ કોઈ ઉત્સવથી ઓછું નથી. અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની આ આઈકોનિક જોડી 14 વર્ષના લાંબા વિરામ બાદ ફરી સાથે આવી છે, જેની અસર બોક્સ ઓફિસ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. પ્રારંભિક આંકડા મુજબ, ફિલ્મે પહેલા જ દિવસે ડબલ ડિજિટમાં ઓપનિંગ કરીને વિવેચકોને ચોંકાવી દીધા છે.
સાંજે 7 વાગ્યા સુધીમાં તોફાની કમાણી
તાજા અહેવાલો મુજબ, 'ભૂત બંગલા' એ રિલીઝના પહેલા દિવસે સાંજે 7 વાગ્યા સુધીમાં જ અંદાજે ₹7.49 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે. જો આપણે 16 એપ્રિલના પેઇડ પ્રિવ્યૂના ₹3.50 કરોડ ઉમેરીએ, તો ફિલ્મનું કુલ કલેક્શન અત્યાર સુધીમાં ₹10.99 કરોડ પર પહોંચી ગયું છે. જોકે રણવીર સિંહની 'ધુરંધર 2' ના રેકોર્ડ તોડવા મુશ્કેલ છે, પરંતુ અક્ષયની છેલ્લી કેટલીક ફિલ્મોની સરખામણીમાં આ શરૂઆત ઘણી મજબૂત માનવામાં આવે છે.
ઓક્યુપન્સી અને દર્શકોનો પ્રતિસાદ
સાંજ સુધીમાં ફિલ્મની સરેરાશ ઓક્યુપન્સી 17 ટકા નોંધાઈ છે. હોરર અને કોમેડીના મિશ્રણને કારણે રાત્રિના શોમાં પ્રેક્ષકોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાની પૂરી સંભાવના છે. અંતિમ આંકડા રાત્રે 10:30 વાગ્યા પછી બહાર આવશે, પરંતુ અત્યારના ટ્રેન્ડને જોતા લાગે છે કે અક્ષય કુમારને જે બ્લોકબસ્ટરની શોધ હતી, તે કદાચ 'ભૂત બંગલા' સાબિત થઈ શકે છે.
સ્ટાર કાસ્ટ અને ફિલ્મની ખાસિયત
એકતા કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મમાં માત્ર અક્ષય કુમાર જ નહીં, પણ તબ્બુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અસરાની જેવા દિગ્ગજ કલાકારોની ફોજ છે. પ્રિયદર્શનની ફિલ્મોની ખાસિયત એવી સિચ્યુએશનલ કોમેડી આ ફિલ્મમાં ભરપૂર છે. 164 મિનિટ લાંબી આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી 16+ રેટિંગ મળ્યું છે, જે સૂચવે છે કે ફિલ્મમાં હોરર એલિમેન્ટ્સ પણ ઘણા મજબૂત છે.
રાજપાલ યાદવ અને અક્ષયની જૂની કેમિસ્ટ્રી ફરી પડદા પર જીવંત થતા સોશિયલ મીડિયા પર 'ભૂત બંગલા' ટ્રેન્ડ થઈ રહ્યું છે. વીકેન્ડ દરમિયાન આ કમાણી હજુ પણ આસમાને પહોંચે તેવી શક્યતા છે. શુ અક્ષય કુમાર આ વખતે બોક્સ ઓફિસના તમામ ભૂત ભગાડી શકશે? તે તો આવનારો સમય જ કહેશે!

(8:20 PM IST)