<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

૧૮ વર્ષ પછી પડદા પર અક્ષય-સૈફનો મહાસંગ્રામ: પ્રિયદર્શનની એક્શન-થ્રિલર ‘હૈવાન’ રિલીઝ, વિલનના રોલમાં અક્ષય કુમારનો ધમાકો!

મલયાલમ હિટ ‘ઓપમ’ની હિન્દી રિમેકે થિયેટરોમાં મચાવી ધૂમ; ડાર્ક થીમ, રહસ્ય અને સૈફ અલી ખાનના દમદાર અભિનયથી ચાહકો મંત્રમુગ્ધ.

મુંબઈ : બોલિવૂડમાં પોતાની આઇકોનિક કૉમેડી ફિલ્મો માટે જાણીતા દિગ્ગજ ડાયરેક્ટર પ્રિયદર્શન આ વખતે એક હાઈ-વોલ્ટેજ એક્શન અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘હૈવાન’ લઈને આવ્યા છે. ૧૧ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં બૉલિવૂડના બે દિગ્ગજ કલાકારો અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ૧૮ વર્ષના લાંબા વિરામ બાદ એકસાથે સ્ક્રિન શેર કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે આ વખતે અક્ષય કુમારે એક અતિ ક્રૂર અને ડાર્ક નેગેટિવ રોલ ભજવીને તમામ દર્શકોને ચોંકાવી દીધા છે.

 

ફિલ્મ રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. મલયાલમ ફિલ્મ ‘ઓપમ’ની આ હિન્દી રિમેકમાં બોલિવૂડ ટચ આપવા માટે ક્લાઈમેક્સ અને પ્રેઝન્ટેશનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ચાહકો આ ફિલ્મને માત્ર રિમેક ગણવાને બદલે એક સ્વતંત્ર અને પ્રભાવશાળી રીવેન્જ થ્રિલર ગણાવીને ૪-સ્ટાર રેટિંગ આપી રહ્યા છે. ઈન્ટરવલ પછી ફિલ્મની સ્પીડ બમણી થઈ જાય છે અને રહસ્યનો એવો વણાટ જોવા મળે છે જે દર્શકોને છેલ્લી ઘડી સુધી પોતાની સીટ પર જકડી રાખે છે. અક્ષયનો ભયાનક આક્રોશ અને તેની ડાયલોગ ડિલિવરી સ્ક્રિન પર અલગ જ છાપ છોડે છે.

 

બીજી તરફ, લાંબા સમય બાદ બોલિવૂડના મુખ્ય પ્રવાહમાં વાપસી કરી રહેલા સૈફ અલી ખાનના અભિનયની પણ ભૂરિ-ભૂરિ પ્રશંસા થઈ રહી છે. સૈફે પોતાના 'શ્યામ રાણે' ના પાત્રમાં અત્યંત ગંભીરતા અને ઊંડાણપૂર્વક કામ કર્યું છે. અક્ષયની આક્રમકતા સામે સૈફના અવાજ અને આંખોના એક્સપ્રેશનની ટક્કર ફિલ્મને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. ફિલ્મમાં કરવામાં આવેલી વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ અને સસ્પેન્સ મ્યુઝિક થ્રિલર પ્રેમીઓ માટે એક અદ્ભુત માસ્ટરપીસ સમાન સાબિત થઈ રહી છે.

(6:12 PM IST)