<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ટાઇગર શ્રોફ શૂટિંગ કેસમાં મોટો ખુલાસો: માસ્ટરમાઇન્ડ અનિલ પંડિતે તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા રચ્યું હતું મોટું નાણાકીય કાવતરું

૨૫ થી ૩૦ અલગ-અલગ બેંક ખાતાઓ અને ક્યુઆર કોડ દ્વારા નાણાંની હેરાફેરી, પલ્સર બાઇક ખરીદવાના વ્યવહારો પણ આવ્યા સામે

મુંબઈ:બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફના શૂટિંગ પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ગુનાના કથિત માસ્ટરમાઇન્ડ અનિલ પંડિતે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓની પકડથી બચવા માટે હુમલા અગાઉ જ એક પદ્ધતિસરનું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે તેણે બેંક ખાતાઓ, ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ અને ક્યુઆર (QR) કોડના માધ્યમથી નાણાકીય વ્યવહારોનું એક અત્યંત જટિલ નેટવર્ક તૈયાર કર્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુપ્ત નેટવર્કનો મુખ્ય હેતુ ગુનામાં સામેલ વાસ્તવિક આરોપીઓ સુધી પહોંચતા નાણાંના સાચા સ્ત્રોતને છુપાવવાનો હતો. માસ્ટરમાઇન્ડ અનિલ પંડિતે આ કેસમાં ધરપકડ કરાયેલા ૧૨મા આરોપી અમર સુરેશ મુંડેલિયાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે આશરે ૨૫ થી ૩૦ અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. વિવિધ ચેનલો દ્વારા અમર મુંડેલિયાના ખાતામાં નાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં અંદાજે ₹૫૦,૦૦૦ ના શંકાસ્પદ વ્યવહારો પકડાયા છે, જે તપાસ આગળ વધતાં વધી શકે છે.

આ નાણાકીય કાવતરાની કડીઓ શૂટિંગમાં વપરાયેલી મોટરસાઇકલની ખરીદી સાથે પણ જોડાયેલી હોવાનું સ્પષ્ટ થયું છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી કુણાલના નિર્દેશ પર અમર મુંડેલિયાએ રેપિડો સવાર ઋત્વિક કુમારના બેંક ખાતામાં ₹૨૫,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા, જેનો ઉપયોગ ટાઇગર શ્રોફના શૂટિંગ કેસમાં કથિત રીતે વપરાયેલી પલ્સર બાઇક ખરીદવા માટે થયો હતો. આ ઉપરાંત, શૂટર રેહાન અને અન્ય સહ-આરોપીઓના ખાતામાં પણ નાણાં ટ્રાન્સફર થયા હોવાના પુરાવા મળ્યા છે, જેથી તપાસકર્તાઓને અનિલ પંડિત સુધી પહોંચતા અટકાવી શકાય.

હાલમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર જટિલ નાણાકીય નેટવર્ક અને તેમાં સંડોવાયેલા તમામ શખ્સોની ભૂમિકાને ઉજાગર કરવા માટે બેંક ખાતાઓ અને ડિજિટલ વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં એજન્સી દ્વારા કૌભાંડના અન્ય પડદાફાશ કરવામાં આવે તેમજ પુરાવાના આધારે કડક કાનૂની કાર્યવાહીને વધુ વેગ આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

(1:37 PM IST)