News of Friday, 25th September 2026
બોલિવૂડ મસાલા: ‘ગોલમાલ 5’નું ગુજ્જુ કનેક્શન, બિપાશાના પ્રોટીન શેકમાં જીવતા કીડા અને વિવેક ઓબેરોયની દરિયાદિલી!
રોહિત શેટ્ટીનો ઉત્તરાયણ પર બોક્સ ઓફિસ સર કરવાનો માસ્ટરપ્લાન, રસોડામાં હોરર શો થતાં ભડકેલી બિપાશાએ સરકાર પાસે મદદ માંગી અને ૫૦મા જન્મદિવસે વિવેક બન્યો રિયલ હીરો

મુંબઈ : બોલિવૂડના ‘એક્શન વત્તા કોમેડી કિંગ’ રોહિત શેટ્ટી પોતાની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ‘ગોલમાલ’નો પાંચમો ભાગ લઈને આવી રહ્યા છે. સામાન્ય રીતે દિવાળીના તહેવાર પર ફિલ્મ રિલીઝ કરતા રોહિતભાઈએ આ વખતે ૮ જાન્યુઆરી ૨૦૨૭ની તારીખ પસંદ કરી છે. આ પાછળનું મુખ્ય કારણ 'ગુજરાત ફેક્ટર' છે. ૮ જાન્યુઆરીએ રિલીઝ થયા બાદ બીજા અઠવાડિયે ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ અને વાસી ઉત્તરાયણની રજાઓનો લાભ મળશે. ગુજરાતીઓ ધાબે પતંગ ચગાવી, ઊંધિયું-જલેબી ઝાપટીને સીધા થિયેટર તરફ દોડશે. વળી, ૨૧ જાન્યુઆરીએ સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વોર’ આવે તે પહેલાં ‘ગોલમાલ ૫’ને બે અઠવાડિયાનું મોકળું મેદાન મળી જશે.
બીજી તરફ, બોલિવૂડની ‘ડસ્કી બ્યુટી’ બિપાશા બસુના પોતાના રસોડામાં એક રિયલ ટાઈમ હોરર સીન ભજવાઈ ગયો. વર્કઆઉટ પછી પ્રોટીન શેક બનાવવા માટે બિપાશાએ જાણીતી બ્રાન્ડનો નવો સીલપેક ડબ્બો ખોલ્યો તો અંદરથી નાના-નાના જીવતા કીડાઓનું સરઘસ નીકળ્યું! ગુસ્સે ભરાયેલી બિપાશાએ કીડાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો અને 'મહારાષ્ટ્ર ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)' કમિશનર તુકારામ મુંઢેને ટેગ કરીને ભેળસેળિયા ખોરાક સામે પગલાં લેવા ગુહાર લગાવી. આ ધડાકા બાદ સંબંધિત કંપનીએ તાબડતોબ તપાસની ખાતરી આપી હતી.
ગ્લેમરની આ દુનિયામાં વિવેક ઓબેરોયે માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાના ૫૦મા જન્મદિવસે અને ‘કૅન્સર રોઝ ડે’ નિમિત્તે વિવેકે નીતિશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માંથી મળેલી પોતાની સમગ્ર ફી કૅન્સર સામે ઝઝૂમી રહેલાં ૫૦ નિર્દોષ બાળકોની સારવાર માટે દાનમાં આપી દીધી છે. ગયા વર્ષે પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાને આપેલું વચન પૂરું કરીને વિવેકે સાચા અર્થમાં 'રિયલ હીરો' બનીને લોકોના દિલ જીતી લીધા છે.
આ સિવાય, ‘મિર્ઝાપુર ધ મૂવી’ની સફળતા બાદ વર્સેટાઈલ એક્ટર પંકજ ત્રિપાઠીને ૨૦૨૭ના ‘આઈફા ડિજિટલ અવૉર્ડ્સ’ (ઈત્તિહાદ એરીના, અબુધાબી) હોસ્ટ કરવાનું મોટું સન્માન મળ્યું છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
