તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 6th May 2026
બોક્સ ઓફિસ પર રિતેશ દેશમુખની 'રાજા શિવાજી'ની ગર્જના: પાંચ જ દિવસમાં ૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મરાઠી સિનેમામાં સર્જાયો નવો ઈતિહાસ!
સલમાન ખાન અને સંજય દત્ત જેવા દિગ્ગજોની એન્ટ્રીથી ફિલ્મ બની બ્લોકબસ્ટર: દેશ-વિદેશમાં કમાણીના રેકોર્ડ તૂટ્યા, રિતેશના ડાયરેક્શનનો જાદુ ચાલ્યો

મુંબઈ: તા.૦૬ ભારતીય સિનેમામાં જ્યારે પણ છત્રપતિ શિવાજી મહારાજની વાત આવે છે, ત્યારે દર્શકોના દિલમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. રિતેશ દેશમુખના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રાજા શિવાજી'એ આ વાત સાબિત કરી દીધી છે. રિતેશ અને જિનેલિયા દેશમુખની 'મુંબઈ ફિલ્મ કંપની'ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે અને માત્ર પાંચ જ દિવસમાં વૈશ્વિક સ્તરે ૫૨ કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
કમાણીના આંકડા જોઈ બોલિવૂડ પણ દંગ
'રાજા શિવાજી' ફિલ્મે ૧૩ કરોડના ઓપનિંગ સાથે શાનદાર શરૂઆત કરી હતી. સોમવાર સુધીમાં ફિલ્મે ૪૬.૯૫ કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે મંગળવારે એક જ દિવસમાં ૬ કરોડની કમાણી કરીને કુલ આંકડો ૫૨.૬૮ કરોડ પર પહોંચાડી દીધો છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મે મરાઠી વર્ઝન દ્વારા ૩૦.૫૦ કરોડ અને હિન્દી વર્ઝન દ્વારા ૧૩.૯૦ કરોડની કમાણી કરીને બંને ભાષાના દર્શકોને આકર્ષ્યા છે.
સિતારાઓની ફોજ અને ભવ્ય નિર્માણ
આ ફિલ્મની સફળતા પાછળ તેની મજબૂત સ્ટારકાસ્ટ પણ એક મોટું કારણ છે. રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સલમાન ખાન, સંજય દત્ત અને અભિષેક બચ્ચન જેવા દિગ્ગજોના કેમિયો અને અગત્યની ભૂમિકાઓએ ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા છે. આ ઉપરાંત વિદ્યા બાલન, મહેશ માંજરેકર, બોમન ઈરાની અને ભાગ્યશ્રી જેવા કલાકારોએ ફિલ્મને અભિનયની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ બનાવી છે. જિનેલિયા દેશમુખે પણ આ પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
મરાઠી સિનેમાનો સુવર્ણ યુગ
મુંબઈ ફિલ્મ કંપનીએ 'બાલક પાલક', 'યેલો', 'લાય ભારી' અને 'વેડ' જેવી ફિલ્મો બાદ 'રાજા શિવાજી' દ્વારા મરાઠી ફિલ્મોને વૈશ્વિક સ્તરની ભવ્યતા અપાવી છે. આધુનિક ટેકનોલોજી અને ઈતિહાસના સચોટ ચિત્રણને કારણે આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પણ ગૌરવની અનુભૂતિ કરાવી રહી છે. જે રીતે ફિલ્મ આગળ વધી રહી છે, તે જોતા આગામી દિવસોમાં આ ફિલ્મ કમાણીના અનેક નવા કીર્તિમાન સ્થાપિત કરે તેવી પૂરી શક્યતા છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
