<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

બોલિવૂડમાં ફરી ડ્રગ્સનો ભૂકંપ: કિંગપિન સલીમ ડોલાનો ચોંકાવનારો ખુલાસો, ટોચના ફિલ્મ નિર્માતાની પુત્રી નીકળી ડ્રગ કાર્ટેલની 'લોજિસ્ટિક્સ ચીફ'!

કેન્દ્રીય એજન્સીઓની પૂછપરછમાં અંડરવર્લ્ડ કનેક્શનનો પર્દાફાશ; મુંબઈના જેલના સળિયા પાછળ બંધ 'ચિકના'ની પત્ની બનીને અનેક રાજ્યોમાં ચલાવતી હતી નશાનું નેટવર્ક

મુંબઈ, તા.૦૩: માયાનગરી મુંબઈ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર ફરી એકવાર ડ્રગ્સ માફિયાના કાળા પડછાયાના સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર મોહમ્મદ સલીમ ઇસ્માઇલ ડોલા ઉર્ફે 'હમઝા'ની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી કસ્ટોડિયલ પૂછપરછમાં એક મોટો ધડાકો થયો છે. સલીમ ડોલાએ દાવો કર્યો છે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગના એક અત્યંત પ્રતિષ્ઠિત અને અગ્રણી ફિલ્મ નિર્માતાની પુત્રી કોઈ સામાન્ય પેડલર નથી, પરંતુ આખા ક્રોસ-સ્ટેટ (આંતરરાજ્ય) ડ્રગ નેટવર્કની મુખ્ય લોજિસ્ટિક્સ ચીફ તરીકે સક્રિય હતી.
એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ મહિલા ભારતમાં સિન્થેટિક ડ્રગ્સના સૌથી મોટા વિતરકોમાંના એક એવા 'ચિકના' નામના કાર્ટેલ સાથે જોડાયેલી છે. આ કાર્ટેલ સલીમ ડોલાના વૈશ્વિક નેટવર્કમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા કેમિકલ ડ્રગ્સની ખરીદી કરતું હતું.
દાઉદ ઇબ્રાહિમના સાગરીત સાથે લગ્ન અને નશાનું સામ્રાજ્ય
તપાસમાં બહાર આવ્યું છે કે, આ હાઈ પ્રોફાઈલ ડ્રગ નેટવર્કનો અસલી માસ્ટરમાઈન્ડ પાકિસ્તાન સ્થિત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી 'ચિકના' છે. ચિકનાની સપ્ટેમ્બર ૨૦૨૫ માં ગોવા ખાતેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. સલીમ ડોલાએ ખુલાસો કર્યો છે કે બોલિવૂડ નિર્માતાની આ પુત્રી વાસ્તવમાં ચિકનાની પત્ની છે. તે પોતાના પતિના જેલમાં ગયા બાદ પણ ડ્રગ્સની હેરાફેરી, તેનો સંગ્રહ, ગોડાઉન (વેરહાઉસિંગ) નું સંચાલન અને કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારોનું સંકલન કિંગપિન તરીકે પોતે સંભાળતી હતી.
પિતા અને પુત્રી બંને વિવાદોના ઘેરામાં
આ આખી ઘટનામાં એ વાત પણ સામે આવી છે કે, આ મહિલા ભૂતકાળમાં પણ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ રાખવાના આરોપમાં પકડાઈ ચૂકી છે, પરંતુ કાયદાકીય ટેકનિકલ ખામીઓનો લાભ લઈને તે બચી નીકળી હતી. બીજી તરફ, તેના નિર્માતા પિતા (જે મુંબઈના મોટા ઉદ્યોગપતિ પણ છે) અગાઉથી જ અંડરવર્લ્ડ (ડી-કંપની) ના ભંડોળથી ફિલ્મો ફાઇનાન્સ કરવાના વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે.
સલીમ ડોલાની પૂછપરછ કરનારા અધિકારીઓએ જણાવ્યું કે, નિર્માતાએ તેમની પુત્રીને આ કાળા કારોબાર અને અંડરવર્લ્ડના લોહીલાણ રસ્તાઓથી દૂર રાખવા ખૂબ જ પ્રયાસો કર્યા હતા. પરંતુ તે પિતાથી નારાજ થઈને પરિવારથી દૂર થઈ ગઈ અને ડ્રગ માફિયા ચિકનાના પ્રેમમાં પડીને આ જનરેશનના સૌથી મોટા નશાના કારોબારની ઓપરેટર બની ગઈ. હાલ એજન્સીઓ આ મામલે બોલિવૂડના અન્ય કયા નામો સામેલ છે તેની કડીઓ જોડી રહી છે.

(4:18 PM IST)