હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇમ્તિયાઝ અલી ફરી જાદુ વેરવા સજ્જ: દિલજીત દોસાંઝ અને નસીરુદ્દીન શાહ સ્ટારર 'મૈં વાપસ આઉંગા'નું હૃદયસ્પર્શી ટ્રેલર આઉટ, ભાગલા સમયની અમર પ્રેમકથા જીવંત થશે!
એ.આર. રહેમાન, ઇર્શાદ કામિલ અને ઇમ્તિયાઝ અલીની આઇકોનિક ત્રિપુટી સંગીતથી મચાવશે ધમાલ; જૂના જમાનાના રોમાંસ અને આધુનિક લાગણીઓનું અદભુત મિશ્રણ ૧૨ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઈ, તા.૧૯: રોમેન્ટિક અને અર્થસભર ફિલ્મો બનાવવા માટે જાણીતા બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલી વધુ એક વખત દર્શકોને પ્રેમ, ઝંખના અને અવિસ્મરણીય યાદોની સફરે લઈ જવા તૈયાર છે. તેમની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મૈં વાપસ આઉંગા' (Main Wapas Aaunga) નું સનસનાટીભર્યું ટ્રેલર આખરે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા ઇમ્તિયાઝ અલી પોતાની સિગ્નેચર સ્ટાઈલ એટલે કે હૃદયને સ્પર્શી જાય તેવા ઇમોશનલ ડ્રામા સાથે મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરી રહ્યા છે.
આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ, નસીરુદ્દીન શાહ, વેદાંગ રૈના અને શર્વરી જેવા શાનદાર કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરની શરૂઆત ભારત-પાકિસ્તાનના ભાગલા સમયની પૃષ્ઠભૂમિ અને ભાવનાત્મક દ્રશ્યો સાથે થાય છે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ એક એવા પ્રેમીનું પાત્ર ભજવી રહ્યા છે જે દાયકાઓથી પોતાના હૃદયમાં એક અધૂરી પ્રેમકથાનું દર્દ વહન કરી રહ્યો છે. દિલજીત દોસાંઝ ભૂતકાળની આ સફરને આગળ ધપાવતો જોવા મળે છે, જ્યારે બોલીવુડના યુવા સ્ટાર્સ વેદાંગ રૈના અને શર્વરી વાર્તામાં આજની પેઢીનો સમકાલીન રોમાંસ અને નવી ઉર્જા લઈને આવ્યા છે.
કાવ્યાત્મક સંવાદો અને સંગીતનો અદભુત સંગમ
'મૈં વાપસ આઉંગા'નું ટ્રેલર કાવ્યાત્મક સંવાદો, ટ્રેનની રોમેન્ટિક મુસાફરી, જૂના પત્રો અને વિખૂટા પડેલા પ્રેમીઓના મિલનની ક્ષણોથી ભરપૂર છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના દ્વારા બોલીવુડની સુપરહિટ ત્રિપુટી - એ.આર. રહેમાન (સંગીત), ઇર્શાદ કામિલ (ગીતકાર) અને ઇમ્તિયાઝ અલી (દિગ્દર્શક) લાંબા સમય પછી ફરી એકસાથે આવ્યા છે. અગાઉ આ ત્રિપુટીએ ભારતીય સિનેમાને અનેક યાદગાર ગીતો આપ્યા છે, તેથી આ ફિલ્મનું સંગીત પણ ચાર્ટબસ્ટર સાબિત થશે તેવી પૂરી સંભાવના છે.
ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીના દિલની વાત
ટ્રેલર લોન્ચ પ્રસંગે પોતાના અનુભવો શેર કરતા ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું હતું કે, "'મૈં વાપસ આઉંગા' એ પ્રેમ અને ઝંખનાની એક અત્યંત અંગત વાર્તા છે, જે દેશના ભાગલા પછી પણ ૭૮ વર્ષ સુધી કોઈના હૃદયમાં જીવંત રહી. મેં તે પેઢીના લોકો પાસેથી સાંભળેલી અસંખ્ય વાર્તાઓનો આ ફિલ્મમાં પડઘો છે. આ વાર્તાને આજની પેઢીના પરિપ્રેક્ષ્યથી રજૂ કરવાનો મારો પ્રયાસ છે." તો બીજી તરફ પ્રોડક્શન ટીમના સુનિલ ચૈનાનીએ પણ ઉત્સાહ દર્શાવતા કહ્યું કે, ટીઝર અને ગીતોને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ અમે આ ભવ્ય સિનેમેટિક અનુભવને મોટા પડદા પર લાવવા ખૂબ જ રોમાંચિત છીએ.
૧૨ જૂને સિનેમાઘરોમાં ટકરાશે ફિલ્મ
બિરલા સ્ટુડિયો, એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને વિન્ડો સીટ ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આ ફિલ્મ આગામી ૧૨ જૂન, ૨૦૨૬ ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે પૂરી રીતે સજ્જ છે. ફિલ્મનું સંગીત 'ટિપ્સ મ્યુઝિક'ના બેનર હેઠળ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ સિનેપ્રેમીઓ સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ બતાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
