તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
‘કિંગ'થી ‘મોમ ૨' સુધીઃ ૨૦૨૬ના બીજા ભાગમાં યંગ બ્રીગેડ પર રહેશે સૌની નજર
૨૦૨૬નું પાછળનું વર્ષ મોટા સ્ટાર્સ કરતાં વધુ નવા સ્ટાર્સના નામે રહેશે

મુંબઈ,તા.૦૪: ૨૦૨૬ના પ્રથમ ભાગમાં બોલિવૂડે અનેક યાદગાર ફિલ્મો અને નવા પ્રતિભાશાળી કલાકારોને દર્શકો સમક્ષ રજૂ કર્યા હતા. હવે વર્ષનાં બીજા ભાગમાં પણ અનેક યુવા કલાકારો પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મો સાથે મોટા પડદા પર છવાઇ જવા તૈયાર છે. કોમર્શિયલ એન્ટરટેનર્સથી લઈને કન્ટેન્ટ આધારિત ફિલ્મો સુધી, આ નવી પેઢીના કલાકારો માટે આગામી મહિનાઓ કારકિર્દીના સૌથી મહત્વના મહિલા સાબિત થઈ શકે છે.
‘ધ આર્ચીઝ'થી અભિનયની શરૂઆત કરનાર સુહાના ખાન હવે વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક ‘કિગ'માં જોવા મળશે. શાહરુખ ખાન સાથે સ્ક્રીન શેર કરતી સુહાના માટે આ ફિલ્મ મેઇનસ્ટ્રીમ સિનેમામાં પોતાની ઓળખ મજબુત કરવાની મોટી તક બની શકે છે. તેની સાથે અભિષેક, રાની અને દીપિકા સહિતના કલાકારો પણ જોવા મળશે.
‘ધ આર્ચીઝ', ‘વિજય ૬૯', ‘મા કા સમ' અને ‘હિન્દી વિદી' જેવી ફિલ્મોમાં પોતાનાં વર્સેટાઇલ અભિનયથી પ્રભાવિત કરનાર મિહિર આહુજા હવે ‘ઓપરેશન સફેદ સાગર'માં જોવા મળશે. આ ફિલ્મ તેની બહુમુખી પ્રતિભાને વધુ મજબૂત રીતે રજૂ કરવાની તક આપશે. જેમાં તે કારગિલના યુદ્ધ વખતના એરફોર્સ ઓફિસરના રોલમાં જોવા મળશે.
ઉભરતી અભિનેત્રી પ્રગતિ શ્રીવાસ્તવ માટે ‘જનાદેશ' મહત્વપૂર્ણ ફિલ્મ સાબિત થઈ શકે છે. અભિનયને કેન્દ્રમાં રાખતી આ ફિલ્મ તેની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન બની શકે છે. આ પહેલાં તે તેલુગુ ફિલ્મમાં કામ કરી ચુકી છે.
બાબિલ ખાન પાસે આ વર્ષે સૌથી વ્યસ્ત પ્રોજેક્ટ્સનું લાઇનઅપ છે. વેબ સિરીઝ ઉપરાંત તે ડિરેક્ટર શૂજિત સરકારની ‘દાર્જિલિગ' તેમજ એક મલયાલમ ફિલ્મમાં પણ જોવા મળશે. ‘કલા' અને ‘લોગઆઉટ' જેવી ફિલ્મોમાં અલગ પ્રકારના પાત્રો પસંદ કરનાર બાબિલ સતત પોતાની આગવી ઓળખ બનાવી રહ્યો છે.
આર્ચિઝ સ્ટોરીમાં ડેબ્યુ કરનાર વધુ એક કલાકાર, વેદાંગ રૈના ‘જિગરા' અને ‘મૈં વાપસ આઉંગા' પછી હવે મેડોક ફિલ્મ્સની આગામી ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે. સફળ ફિલ્મો માટે જાણીતાં મેડોક ફિલ્મ્સ સાથેની તેની આ ફિલ્મને લઈને અપેક્ષાઓ ઊંચી છે.
‘મુંજ્યા' અને ‘એ વતન મેરે વતન' બાદ અભય વર્મા હવે ‘દિલકાશી'માં જોવા મળશે. પોતાનાં અભિનય અને સ્ક્રીન પ્રેઝન્સથી પ્રશંસા મેળવનાર અભય માટે આ ફિલ્મ વધુ એક મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે.
‘આંખોં કી ગુસ્તાખિયાં' અને ‘તું યા મેં' પછી શનાયા કપૂર હવે હોરર-કોમેડી જોનરની ફિલ્મ ‘ઝોમ્બી રેડ્ડી ૨'માં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા તે એક નવા પ્રકારના પાત્રમાં પોતાની ક્ષમતા અજમાવશે.
‘ધ આર્ચીઝ' અને ‘લવયાપ્પા' બાદ ખુશી કપૂર હવે ‘મોમ ૨'માં જોવા મળશે. લોકપ્રિય ફિલ્મની સિક્વલ હોવાના કારણે આ પ્રોજેક્ટ પ્રત્યે દર્શકોમાં ભારે ઉત્સુકતા છે અને ખુશીના અભિનય પર સૌની નજર રહેશે. એથી પણ વધુ મહત્વની વાત એ છે કે ૨૦૧૭માં આવેલી મૂળ ફિલ્મ મોમમાં ખુશીની માતા શ્રીદેવી જોવા મળી હતી અને હવે સિક્વલમાં ખુશી જોવા મળશે.
૨૦૨૬ના બીજા ભાગમાં આ યુવા કલાકારો વિવિધ પ્રકારની ફિલ્મો દ્વારા પોતાની પ્રતિભા સાબિત કરવા તૈયાર છે. જો તેમની ફિલ્મોને દર્શકોનો સારો પ્રતિસાદ મળશે, તો બોલિવૂડને આગામી સુપરસ્ટાર્સની નવી પેઢી મળી શકે છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
