News of Thursday, 8th October 2026
બિગ બોસમાં પૂર્વ પતિ પર આરોપ લગાવવા મેરી કોમને ભારે પડ્યા: ઓન્લરે ઠોક્યો માનહાનિનો કેસ
ઓલિમ્પિક મેડાલિસ્ટ મેરી કોમે ટીવી શૉમાં ચારિત્ર્ય અને નાણાકીય ગેરરીતિના આરોપો લગાવતા પૂર્વ પતિ ઓન્લરે કાયદાકીય જંગ છેડ્યો; કલમ ૩૫૬ હેઠળ કોર્ટમાં કાનૂની કાર્યવાહી શરૂ.

મુંબઈ, તા.૦૮: છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા બોક્સર મેરી કોમ હાલમાં 'બિગ બોસ ૨૦'માં સ્પર્ધક તરીકે ભાગ લઈ રહી છે ત્યારે પોતાના અંગત વિવાદને લઈને ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાઈ છે. મેરી કોમના પૂર્વ પતિ ઓન્લર કોમે જાહેર પ્લેટફોર્મ અને ટેલિવિઝન કાર્યક્રમો પર પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી ટિપ્પણીઓ કરવા બદલ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૩૫૬ હેઠળ કરવામાં આવી છે, જેનાથી રમતગમત અને મનોરંજન જગતમાં ભારે ચર્ચા જાગી છે.
આ કાનૂની વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મેરી કોમે ‘આપ કી અદાલત’ સહિતના વિવિધ કાર્યક્રમોમાં પોતાના પૂર્વ પતિ ઓન્લર પર ગંભીર નાણાકીય ગેરરીતિના આરોપો મૂક્યા હતા. તેમણે જાહેરમાં દાવો કર્યો હતો કે બોક્સિંગ કારકિર્દી દરમિયાન કમાયેલા કરોડો રૂપિયાની તેમની જાણ બહાર ગેરરીતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમની મંજૂરી વિના નામે લોન લેવામાં આવી હોવાના અને સંપત્તિ પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવાના ગંભીર દાવા પણ બોક્સર દ્વારા કરવામાં આવ્યા હતા.
બીજી તરફ પૂર્વ પતિ ઓન્લર કોમે પણ મેરી કોમ પર લગ્નેતર સંબંધો અને તેમની ફૂટબોલ કારકિર્દી અંગે ખોટી ટિપ્પણીઓ કરવાના વળતા આરોપો લગાવ્યા છે. જોકે, વધતા વિવાદ બાદ મેરી કોમે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ઇન્ટરવ્યૂ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમનો હેતુ રમતગમત કે સંબંધિત વ્યક્તિનું અપમાન કરવાનો નહોતો. બંને પક્ષો વચ્ચે થયેલા આક્ષેપ-પ્રત્યાક્ષેપો બાદ સોશિયલ મીડિયા પર તેમના અંગત જીવનને લઈને ભારે વિવાદ ઊભો થયો છે.
કેસ અંગે વાત કરતા ઓન્લરે જણાવ્યું હતું કે, 'મારો કેસ ખૂબ મજબૂત છે અને મને ભારતની ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. હાલ મામલો અદાલતમાં હોવાથી હું વધુ ટિપ્પણી કરવા માંગતો નથી.' નોંધનીય છે કે વર્ષ ૨૦૦૫માં લગ્નગ્રંથિથી જોડાયેલા મેરી કોમ અને ઓન્લરે આશરે ૧૮ વર્ષ સાથે રહ્યા બાદ વર્ષ ૨૦૨૩માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા.
આ ઘટનાની ભૂતકાળની કડી જોડતાં ઉલ્લેખનીય છે કે મેરી કોમના જીવન પરથી બનેલી બાયોપિક ફિલ્મમાં પ્રિયંકા ચોપડા અને દર્શન કુમારે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. હાલમાં જજ સમક્ષ ચાલી રહેલી આ કાનૂની લડાઈમાં આગામી સુનાવણી ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ નક્કી કરવામાં આવી છે. હવે કોર્ટના ચુકાદા અને આગળની કાનૂની કાર્યવાહી પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
