<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રામાયણના બીજા ભાગમાં આવશે નવા ચહેરાઃ સનીથી લઈને મેઘનાદ સુધી પાત્રો કરશે ધમાલ

અભિનેતા ફૈઝલ મલિકના કુંભકર્ણના પાત્રને પણ બીજા ભાગમાં વધુ વિસ્‍તારથી રજૂ કરવામાં આવશે ફિલ્‍મનો બીજો ભાગ આવતા વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થઈ શકે છે

મુંબઇ તા.૨૫: નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્‍મ ‘રામાયણ'ના બીજા ભાગને લઈને અત્‍યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આશરે રૂપિયા ૪,૦૦૦ કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્‍મ બે ભાગમાં રિલીઝ થવાની છે. નિર્માતા નમિત મલ્‍હોત્રા તેને માત્ર બે ફિલ્‍મો પૂરતી મર્યાદિત રાખવાને બદલે એક વિશાળ સિનેમેટિક યુનિવર્સ તરીકે વિકસાવવા માગે છે.

ફિલ્‍મના બીજા ભાગમાં સૌથી વધુ ચર્ચા સની દેઓલની એન્‍ટ્રીની છે. તેઓ હનુમાનજીના પાત્રમાં જોવા મળશે. જોકે, તેમનો લુક હજુ જાહેર કરવામાં આવ્‍યો નથી. દર્શકો તેમને આ ભૂમિકામાં જોવા માટે ઉત્‍સુક છે.

સની દેઓલની સાથે અભિનેતા રાઘવ જુયાલ પણ બીજા ભાગમાં જોવા મળશે. તેઓ રાવણ અને મંદોદરીના પુત્ર મેઘનાદ ઉર્ફે ઇન્‍દ્રજીતની ભૂમિકા ભજવશે. પિતાની રક્ષા માટે યુદ્ધમાં ઉતરતો મેઘનાદ આ ફિલ્‍મના મહત્‍વના પાત્રોમાંનો એક હશે.

અભિનેતા ફૈઝલ મલિકના કુંભકર્ણના પાત્રને પણ બીજા ભાગમાં વધુ વિસ્‍તારથી રજૂ કરવામાં આવશે. પ્રથમ ભાગમાં તેમની એન્‍ટ્રી થઈ હતી, પરંતુ પાત્રને પૂરતો સ્‍ક્રીનટાઇમ મળ્‍યો નહોતો. હવે બીજા ભાગમાં તેમની ભૂમિકા વધુ વિગતવાર જોવા મળી શકે છે.

ફિલ્‍મના પ્રથમ ભાગમાં રણબીર કપૂર રામ, સાઈ પલ્‍લવી સીતા, રવિ દુબે લક્ષ્મણ અને યશ રાવણની ભૂમિકામાં છે. અનુપમ ખેરે જટાયુને અવાજ આપ્‍યો છે, જ્‍યારે અરુણ ગોવિલ રાજા દશરથ બન્‍યા છે. કાજલ અગ્રવાલ મંદોદરી, રકુલ પ્રીત સિહ શૂર્પણખા અને વિવેક ઓબેરોય વિદ્યુતજિહ્વાના પાત્રમાં છે. આ ઉપરાંત લારા દત્તા કૈકેયી, શીબા ચઢ્ઢા મંથરા અને કુણાલ કપૂર ઇન્‍દ્રદેવની ભૂમિકામાં જોવા મળે છે.

મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્‍મનો બીજો ભાગ આવતા વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થઈ શકે છે. જોકે, તેની સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

(12:36 PM IST)