તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 29th September 2026
ગણેશ ચતુર્થીના પાવન પર્વે જુબિન નૌટિયાલના ઘરે ગૂંજી કિલકારી: પત્ની રિચા ચંદેલે પુત્રને જન્મ આપ્યો, બોલિવૂડના 'કિંગ ઓફ રોમેન્ટિક સોંગ્સ' પ્રથમ વખત પિતા બન્યા!
દેહરાદૂનમાં ગુપ્ત લગ્ન બાદ જુબિનના પરિવારમાં ડબલ ખુશીનો માહોલ: બાળકના આગમનથી સંગીત જગતમાં આનંદની લહેર, ચાહકો સોશિયલ મીડિયા પર પુત્રની એક ઝલક જોવા આતુર

મુંબઈ, તા.૨૯: બોલિવૂડના સુપ્રસિદ્ધ ગાયક અને 'રાતા લંબિયાં', 'તુઝે કિતના ચાહને લગે હમ' તથા 'લો સફર શુરુ હો ગયા' જેવા હિટ ગીતોથી કરોડો દિલ પર રાજ કરનાર જુબિન નૌટિયાલના ઘરે એક નાનો રાજકુમાર આવ્યો છે. ગણેશ ચતુર્થીના અત્યંત પાવન દિવસે, એટલે કે ૧૪ સપ્ટેમ્બરના રોજ જુબિનની પત્ની રિચા ચંદેલે તેમના પ્રથમ બાળક તરીકે પુત્રને જન્મ આપ્યો હતો. ગાયકે પોતે આ ખુશખબરની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે બાળક અને માતા બંને સંપૂર્ણ સ્વસ્થ છે અને ઘરે પરત ફરી ચૂક્યા છે.
બાળકના નામકરણ અને કૌટુંબિક સમય અંગે જુબિનનું નિવેદન
જુબિન નૌટિયાલે 'બોમ્બે ટાઈમ્સ' સાથેની ખાસ વાતચીતમાં પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "અમે હજુ સુધી અમારા બાળકના નામ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. હાલમાં અમે આ નાનકડા મહેમાન સાથે ગુણવત્તાયુક્ત અને યાદગાર કૌટુંબિક ક્ષણોનો આનંદ માણી રહ્યા છીએ." આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર દેશ-વિદેશના ચાહકો અને બોલિવૂડના કલાકારો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
અંગત જીવનને ખાનગી રાખવાનો વલણ
અરિજિત સિંહની જેમ જ જુબિન નૌટિયાલ પણ પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખવા માટે જાણીતા છે. રિપોર્ટ્સ મુજબ, જુબિને આ વર્ષના એપ્રિલ મહિનામાં ઉત્તરાખંડના કસૌલી ખાતે પોતાના વતનની જ બાળપણની મિત્ર રિચા ચંદેલ સાથે અત્યંત ખાનગી અને પરંપરાગત સમારંભમાં લગ્ન કર્યા હતા. લગ્નના ફોટા વાયરલ થયા બાદ જ ચાહકોને આ વિશે જાણ થઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર ૧૨.૭ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા જુબિન પોતાના કામ સંબંધિત વાતો જ શેર કરે છે, તેથી તેઓ પોતાના પુત્રનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
