News of Friday, 27th November 2026
'ધુરંધર'ની સફળતાનો ઉલ્લેખ કરી પાકિસ્તાની અભિનેત્રી રાબ્યા કુલસુમનો કટાક્ષ: શ્રેણી વિવાદ વચ્ચે પોસ્ટ વાયરલ
'જો બચે હૈં સંગ સમેટ લો'ના પ્રસારણ વિવાદ પર રાબ્યાની ઈન્સ્ટાગ્રામ પ્રતિક્રિયા; 4 ડિસેમ્બરે પ્રીમિયર પૂર્વે ભારતમાં પાકિસ્તાની કન્ટેન્ટ અંગે નેટફ્લિક્સને મંત્રાલયની સૂચના

મુંબઈ : ભારતમાં પાકિસ્તાની શ્રેણી 'જો બચે હૈં સંગ સમેટ લો'ના પ્રસ્તાવિત પ્રસારણને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે પાકિસ્તાની અભિનેત્રી રાબ્યા કુલસુમ રેહાને સોશિયલ મીડિયા પર બોલિવૂડ ફિલ્મ 'ધુરંધર' સાથે સરખામણી કરીને કટાક્ષ કર્યો છે. કેન્દ્ર સરકારે નેટફ્લિક્સને ભારતમાં પાકિસ્તાની કન્ટેન્ટ ન દર્શાવવા સૂચના આપી હોવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતાં રાબ્યાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દાવો કર્યો હતો કે 'ધુરંધર' પાકિસ્તાનમાં અઠવાડિયાઓ સુધી નંબર વન રહી હતી.
પોતાની પોસ્ટમાં રાબ્યા કુલસુમે લખ્યું હતું કે પાકિસ્તાન વિરુદ્ધ હોવા છતાં 'ધુરંધર' અઠવાડિયાઓ સુધી ટોચ પર રહી તે દર્શાવે છે કે એક રાષ્ટ્ર તરીકે પાકિસ્તાન કેટલું સુરક્ષિત છે, તેમજ આ વિવાદ દુઃખદ નહીં પરંતુ હવે રમુજી લાગે છે.
તેમણે ભારતીય મીડિયાના અહેવાલનો ઉલ્લેખ કરતાં માહિરા ખાન અને ફવાદ ખાનના કવરેજ પર પણ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ભારતના મુખ્ય પોર્ટલ્સ પર બંને કલાકારોની ચર્ચા જોઈને તેમને આનંદ થયો છે.
ફવાદ ખાન, માહિરા ખાન અને હાનિયા આમિર અભિનીત આ શ્રેણીનો ટ્રેલર 24 નવેમ્બરે રિલીઝ થયા બાદ વિવાદ શરૂ થયો હતો, જેના પગલે 'ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન' (AICWA) અને 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ' (FWICE)એ પ્રસારણ અટકાવવા તથા OTT પ્લેટફોર્મ પર કાયમી પ્રતિબંધની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025માં પહેલગામ આતંકવાદી હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે પાકિસ્તાની મૂળની સામગ્રી પર પ્રતિબંધો અને 8 મે, 2025ની સલાહનો સંદર્ભ આપીને માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને ભારતીય દર્શકો માટે પાકિસ્તાની કન્ટેન્ટ ઉપલબ્ધ ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
4 ડિસેમ્બરે શ્રેણીના પ્રસ્તાવિત પ્રીમિયર પહેલાં નેટફ્લિક્સ તરફથી ભારતમાં સ્ટ્રીમિંગ અંગે સત્તાવાર સ્પષ્ટતા અને આગળના ઘટનાક્રમ પર સૌની નજર રહેશે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
