તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
'ધુરંધર'ને ટક્કર આપવા નીકળેલી પાકિસ્તાની ફિલ્મ 'મેરા લ્યારી'ના સુપડા સાફ: પહેલા દિવસે માત્ર ૨૨ ટિકિટો વેચાઈ!
રણવીર સિંહની ફિલ્મમાં લ્યારીની નકારાત્મક છબીનો બદલો લેવા ઉતરેલી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ પર ધબાય નમઃ પ્રેક્ષકોના અભાવે થિયેટર માલિકોએ પહેલા જ વીકએન્ડમાં શો ખેંચી લીધા

કરાચી: બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'માં કરાચીના લ્યારી વિસ્તારને જે રીતે શસ્ત્રો અને ડ્રગ્સના અડ્ડા તરીકે દર્શાવવામાં આવ્યો હતો, તેનાથી પાકિસ્તાનમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ નકારાત્મક પ્રચારનો જડબાતોડ જવાબ આપવા માટે પાકિસ્તાની નિર્માતાઓએ 'મેરા લ્યારી' નામની ફિલ્મ બનાવી, જેનો હેતુ શહેરનો શાંતિપૂર્ણ અને ગૌરવશાળી ચહેરો દુનિયા સમક્ષ લાવવાનો હતો. જોકે, ગત શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવી ફ્લોપ રહી છે કે પાકિસ્તાની સિનેમાના ઇતિહાસમાં તેની નોંધ લેવાશે. અહેવાલો મુજબ, એક પ્રતિષ્ઠિત થિયેટરમાં આખા દિવસ દરમિયાન માત્ર ૨૨ ટિકિટો જ વેચાઈ હતી, જેના કારણે માલિકોએ પહેલા દિવસે જ ફિલ્મ ઉતારી લેવાની ફરજ પડી હતી.
આદિત્ય ધરની 'ધુરંધર' પાકિસ્તાનમાં સત્તાવાર રીતે રિલીઝ નહોતી થઈ, છતાં ચાંચિયાગીરી (Piracy) ને કારણે તે ત્યાંના ઘરેઘરમાં જોવાઈ હતી અને રણવીર સિંહના અભિનયની ખૂબ ચર્ચા થઈ હતી. તેના જવાબમાં આવેલી 'મેરા લ્યારી'માં આયેશા ઓમર અને દાનીનીર મોબીન જેવા જાણીતા કલાકારો હોવા છતાં પ્રેક્ષકોમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહોતો. જ્યાં 'ધુરંધર' એક હાઈ-વોલ્ટેજ જાસૂસી થ્રિલર હતી, ત્યાં 'મેરા લ્યારી' મહિલા ફૂટબોલરો પર આધારિત એક સ્પોર્ટ્સ ડ્રામા હતો. પાકિસ્તાની મંત્રી શરજીલ મેમણે આ ફિલ્મને પાકિસ્તાનનો ગૌરવપૂર્ણ જવાબ ગણાવ્યો હતો, પરંતુ જનતાએ આ 'જવાબ'માં જરાય રસ દાખવ્યો નહીં.
ફિલ્મના નબળા પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ તેનું ઓછું બજેટ, નબળી માર્કેટિંગ વ્યૂહરચના અને મસાલા સામગ્રીનો અભાવ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર લોકો કટાક્ષ કરી રહ્યા છે કે લ્યારીનો જે 'શાંતિપૂર્ણ' ચહેરો બતાવવાનો દાવો કરાયો હતો, તે થિયેટરોમાં પ્રવર્તતી શાંતિમાં રૂપાંતરિત થઈ ગયો છે. 'ધુરંધર' દ્વારા ઉભી થયેલી લ્યારીની છબી એટલી શક્તિશાળી સાબિત થઈ કે તેના કાઉન્ટર તરીકે રજૂ થયેલી ફિલ્મના કલાકારોના સગા-સંબંધીઓ પણ મૂવી જોવા ન આવ્યા હોય તેવું લાગે છે. આ નિષ્ફળતાએ સાબિત કર્યું છે કે માત્ર રાષ્ટ્રવાદના નામે કન્ટેન્ટ વગરની ફિલ્મો પ્રેક્ષકોને આકર્ષી શકતી નથી.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
