હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રણબીર કપૂરની ‘રામાયણ'ને સેન્સર બોર્ડની લીલીઝંડી
પરિવાર સાથે માણી શકાશે આ ૩ કલાક ૧૫ મિનિટની ફિલ્મ : ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ભાષામાં પણ જોવા મળશે

મુંબઈ તા.૩૧: બોલિવૂડની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ'ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત આ ફિલ્મને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (CBFC) તરફથી ‘U' સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મની સત્તાવાર અવધિ પણ જાહેર થઈ છે. ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સેન્સર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફિલ્મને તમામ વયના દર્શકો માટે યોગ્ય જાહેર કરવામાં આવી છે.
સેન્સર બોર્ડના પ્રમાણપત્ર અનુસાર, ફિલ્મનો કુલ રનટાઇમ ૧૯૫ મિનિટ એટલે કે ૩ કલાક અને ૧૫ મિનિટનો છે. ‘U' સર્ટિફિકેટ મળવાનો અર્થ એ છે કે ફિલ્મને કોઈ વયમર્યાદા વિના તમામ દર્શકો જોઈ શકે છે. ખાસ કરીને બાળકો, યુવાનો અને વડીલો સહિત આખો પરિવાર સાથે બેસીને આ ભવ્ય પૌરાણિક કથાનો આનંદ માણી શકશે.
ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે, જ્યારે નિર્માતા તરીકે નમિત મલ્હોત્રા જોડાયેલા છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકામાં, સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં અને યશ રાવણના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત સની દેઓલ ભગવાન હનુમાન, રવિ દુબે લક્ષ્મણ, અરુણ ગોવિલ રાજા દશરથ અને રકુલ પ્રીત સિહ શૂર્પણખાની ભૂમિકા ભજવી રહ્યાં છે.
‘રામાયણ'ની વાર્તા રાક્ષસ રાજા રાવણના ત્રણેય લોક પર આધિપત્યથી શરૂ થાય છે. રાવણને માત્ર માનવ જ પરાજિત કરી શકે તેવા વરદાનને કારણે ભગવાન વિષ્ણુ રામના રૂપમાં પૃથ્વી પર અવતાર લે છે. પિતાના વચનનું પાલન કરવા રામ, સીતા અને લક્ષ્મણ વનવાસે જાય છે. ત્યારબાદ રાવણ દ્વારા સીતાનું અપહરણ થતાં અધર્મ સામેના મહાયુદ્ધની શરૂઆત થાય છે. આ કહાણીને દરેક લોકો જાણે છે, પરંતુ આ ફિલ્મમાં ફરી તે કહાણીને દ્રશ્યશ્રાવ્ય રૂપમાં રજૂ કરવામાં આવશે.
‘રામાયણ'ને ૨D, ૩D, આઇમેક્સ ૩D, ૪DX ૩D અને સ્ક્રીન એક્સ સહિતના વિવિધ ફોર્મેટમાં રજૂ કરવાની તૈયારી છે. ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ભાષામાં પણ જોવા મળશે. સેન્સર બોર્ડની મંજૂરી મળતાં ફિલ્મની રિલીઝનો માર્ગ સ્પષ્ટ થયો છે અને હવે દર્શકો ૫ નવેમ્બરે મોટા પડદા પર રામકથાની ભવ્ય રજૂઆત નિહાળવા આતુર છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
