News of Thursday, 29th October 2026
‘રાવણ સંપૂર્ણ ખરાબ નહોતો!' સીતાનું પાત્ર ભજવતી અભિનેત્રીના વિચારો પર કેમ ભડક્યા લોકો?
વર્લ્ડ પ્રીમિયર દરમિયાન અભિનેત્રીએ રાવણ વિશે આપેલા નિવેદનથી ઈન્ટરનેટ પર ભારે હોબાળો મચી ગયો : કેટલાક લોકો તેમના વિચારોનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સમર્થનમાં આવ્યા છે, આ ફિલ્મ બે ભાગમાં રજૂ થવાની છે

મુંબઈ,તા.૨૯: બોલીવુડના જાણીતા નિર્દેશક નિતેશ તિવારીની બહુચર્ચિત પૌરાણિક મેગા ફિલ્મ સિનેમાઘરોમાં દસ્તક દે તે પહેલાં જ ભારે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. અગાઉ ફિલ્મની કાસ્ટિંગ, દમદાર વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને સંગીતને લઈને લોકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળતો હતો, પરંતુ હવે કલાકારોના વિચારોને લઈને નવો વિવાદ છેડાયો છે. રણબીર કપૂર બાદ હવે ફિલ્મમાં માતા સીતાનું પાત્ર નિભાવી રહેલી જાણીતી દક્ષિણ ભારતીય અભિનેત્રી લોકોના નિશાના પર આવી છે. અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલા વૈશ્વિક પ્રીમિયર દરમિયાન રાવણના વ્યક્તિત્વ વિશે કરેલી એક ટિપ્પણીથી સમગ્ર ઈન્ટરનેટ પર વિરોધ અને સમર્થનનો મોટો દોર શરૂ થઈ ગયો છે.
ફિલ્મના પ્રમોશન અર્થે ૨૭ ઓક્ટોબરના રોજ અમેરિકાના લોસ એન્જલસ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં અભિનેત્રીએ ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન ગ્રંથો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે લોકો આપણી પ્રાચીન ધરોહર અને મહાકાવ્યોને ઊંડાણપૂર્વક સમજવા માંગે છે, તેમના માટે આ સિનેમા એક ઉત્તમ પ્રારંભ સાબિત થઈ શકે છે.
તેમણે આગળ વાત કરતા કહ્યું હતું કે જો આપણે કોઈ ગ્રંથને પવિત્ર માનીએ છીએ, તો તેની સાથે આત્મચિતન કરવું પણ તેટલું જ અનિવાર્ય છે. દરેક વ્યક્તિએ પોતાની અંદર રહેલી ભલાઈ અને ખરાબી બંનેને ઓળખવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે રાવણ પણ સંપૂર્ણપણે ખરાબ નહોતો, તેથી આપણે પણ આપણી અંદરની નકારાત્મકતાને ઓળખીને સમય સાથે વધુ સારા બનવાનો સતત પ્રયાસ કરવો જોઈએ.
આ વાતચીતનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થતાં જ લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. અનેક વપરાશકર્તાઓએ આક્રોશ વ્યક્ત કરતા લખ્યું હતું કે માતા સીતાનું હરણ કરનાર પાત્રની આ રીતે તરફેણ કે સરખામણી કરવી અયોગ્ય છે અને અભિનેત્રીએ પોતાના શબ્દો સુધારવા જોઈએ.
બીજી બાજુ, મોટી સંખ્યામાં લોકોએ આ નિવેદનને વાસ્તવિક અને દાર્શનિક ગણાવ્યું હતું. સમર્થકોએ દલીલ કરી હતી કે દેશમાં અનેક પરંપરાઓમાં રાવણને મહાન શિવભક્ત, પ્રખર પંડિત અને અદ્વુત સંગીતકાર તરીકે પણ જોવામાં આવે છે. દેશના કેટલાક ભાગોમાં રાવણ દહન થાય છે તો કેટલીક જગ્યાએ તેમની પૂજા પણ થાય છે, તેથી આ વાતને વિના કારણે રાજકીય કે ધાર્મિક રંગ આપવો યોગ્ય નથી.
આ મહાકાવ્ય આધારિત પ્રોજેક્ટમાં ભારતીય સિનેમાના ટોચના કલાકારો જોવા મળવાના છે. ફિલ્મમાં રણબીર કપૂર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે.
આ સાથે કન્નડ સુપરસ્ટાર યશ લંકેશ રાવણના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. પવનપુત્ર હનુમાન તરીકે સની દેઓલ અને લક્ષ્મણ તરીકે રવિ દુબે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. આ પ્રકારની મોટી સ્ટાર કાસ્ટના કારણે ફિલ્મ અંગે પ્રેક્ષકોમાં પહેલેથી જ ભારે આકર્ષણ રહેલું છે.
આ મેગા બજેટ સિનેમાને દર્શકો સમક્ષ બે અલગ ભાગોમાં રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મનો પ્રથમ ભાગ દિવાળીના પાવન અવસર પર એટલે કે ૫ નવેમ્બરના રોજ દેશ-વિદેશના સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થશે.
જ્યારે આ સમગ્ર મહાકથાનો અંતિમ અને બીજો ભાગ દિવાળી ૨૦૨૭ ની આસપાસ વિશ્વભરના મોટા પડદા પર ઉતારવામાં આવશે. અત્યાધુનિક તકનીક અને વીએફએક્સ સાથે બની રહેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સ્થાપિત કરે તેવી વકી છે.
ભારતીય પૌરાણિક ગ્રંથો પર બનતી ફિલ્મો હંમેશા લોકોની આસ્થા અને લાગણીઓ સાથે જોડાયેલી હોય છે. આવા સંવેદનશીલ વિષય પર કલાકારો દ્વારા કરવામાં આવતી કોઈપણ જાહેરમાં ટિપ્પણી ઝડપથી ચર્ચાનું મોટું કારણ બની જતી હોય છે.
ફિલ્મના નિર્માતાઓ આ વિવાદ શાંત પડે અને લોકો ફિલ્મની ભવ્ય કલા તેમજ ટેકનિકલ પાસાઓને હકારાત્મક રીતે જુએ તેવા પ્રયાસો કરી રહ્યા છે. હવે ૫ નવેમ્બરે દર્શકો થિયેટરમાં આ મહાકાવ્યને કેવો પ્રતિસાદ આપે છે તેના પર સિનેજગતની નજર ટકેલી છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
