<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ગુજરાતી સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ 'લાલો'નો સોની મેક્સ પર વર્લ્ડ પ્રીમિયર : પુષ્પા ઇમ્પોસિબલ સાથે જોવા મળશે ખાસ એપિસોડ

૧૦૦ કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ ૧૭ મેના રોજ હિન્દી અને ગુજરાતીમાં પ્રસારિત થશે : માતૃત્વ અને ભક્તિના સંગમ સાથે પુષ્પા અને કાનુડાની હૃદયસ્પર્શી મુલાકાત નાના પડદે દેખાશે

મુંબઈ : ટેલિવિઝન જગત અને ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. સોની સબની લોકપ્રિય સીરિયલ 'પુષ્પા ઇમ્પોસિબલ'માં એક ખાસ અને ભાવનાત્મક એપિસોડ જોવા મળશે, જેમાં તાજેતરમાં બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી ૧૦૦ કરોડનો આંકડો પાર કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ 'લાલો – કૃષ્ણ સદા સહાયતે'ની સ્ટાર કાસ્ટ હાજરી આપશે. આ સાથે જ સોની મેક્સ પર ૧૭ મેના રોજ બપોરે ૧ વાગ્યે આ બ્લોકબસ્ટર ફિલ્મનો વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર યોજાશે.

પુષ્પા અને ભગવાન કૃષ્ણની આધ્યાત્મિક મુલાકાત:
આગામી ખાસ એપિસોડમાં દર્શકો જોશે કે પુષ્પા (કરુણા પાંડે) એકલી હોય છે અને પોતાના બાળકોને યાદ કરતી વખતે ભાવુક થઈ જાય છે. આ સમયે તે ભગવાન કૃષ્ણના ઘરે રાત વિતાવે છે, જ્યાં તેની મુલાકાત 'લાલો' ફિલ્મના કલાકારો શ્રુહદ ગોસ્વામી (કૃષ્ણ) અને રીવા રાછ (તુલસી) સાથે થાય છે. આ મુલાકાત પુષ્પાના જીવનમાં એક નવો આધ્યાત્મિક વળાંક લાવશે. 'કિસ્ના' નામનો એક નમ્ર છોકરો પુષ્પાને 'મૈયા' કહીને સંબોધે છે અને તેને ગરમ કાઠિયાવાડી ચા પીરસી બાંસરીના મધુર સૂર રેલાવે છે, જે પુષ્પાના માતૃત્વના આનંદને ફરી જીવંત કરે છે.

દૈવી પ્રેમ અને સાંત્વનાનો સંદેશ:
કથાના વળાંકમાં સવારે કિસ્ના રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે અને મંદિરની ઉજવણી દરમિયાન પુષ્પાને અહેસાસ થાય છે કે જે તેની મદદ માટે આવ્યા હતા તે ખુદ ભગવાન કૃષ્ણ હતા. આ એપિસોડ દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે દૈવી પ્રેમ અને આશીર્વાદ ક્યારેય વ્યક્તિને એકલા નથી છોડતા. પુષ્પા ઇમ્પોસિબલ અને લાલોની દુનિયાના આ મિલનથી દર્શકોને વિશ્વાસ અને લાગણીઓથી ભરેલી અનોખી વાર્તા જોવા મળશે.

કલાકારોએ વ્યક્ત કર્યો ઉત્સાહ:
પુષ્પાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી કરુણા પાંડેએ જણાવ્યું હતું કે, 'લાલો' ફિલ્મની કાસ્ટ સાથે કામ કરવું એ સુંદર અનુભવ રહ્યો. બંને વાર્તાઓમાં સાંસ્કૃતિક ઉષ્મા અને ભાવનાત્મક જોડાણ છે જે દર્શકોને ખૂબ ગમશે. બીજી તરફ, ફિલ્મના અભિનેતા શ્રુહદ ગોસ્વામીએ જણાવ્યું કે 'પુષ્પા ઇમ્પોસિબલ'માં પણ એવી જ સરળતા અને ઉષ્મા છે જે અમારી ફિલ્મમાં જોવા મળે છે, અને અમે ઉત્સાહિત છીએ કે દર્શકો આ સુંદર સહયોગને પોતાના પરિવાર સાથે માણી શકશે.

૧૭ મેના રોજ ફિલ્મનું ટીવી પ્રીમિયર:
ઉલ્લેખનીય છે કે 'લાલો' એ વૈશ્વિક સ્તરે ૧૦૦ કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે. હવે આ ફિલ્મ સોની મેક્સ ચેનલ પર ૧૭ મે, રવિવારે બપોરે ૧ વાગ્યે હિન્દી અને ગુજરાતી બંને ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. માતૃદિનના વિશેષ અવસરે તૈયાર કરાયેલો આ ખાસ એપિસોડ અને ફિલ્મનો પ્રીમિયર દર્શકો માટે મનોરંજનની સાથે ભક્તિનો અનેરો સંગમ લાવશે.

 

(4:04 PM IST)