<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

બિગ બોસ 20 ના પ્રીમિયર પહેલાં તાનિયા મિત્તલે કર્યો મોટો ખુલાસો, કહ્યું સલમાન ખાનના શોમાં મીડિયા રાઉન્ડ દરમિયાન સર્જાયા હતા એવા ગંભીર હાલત કે ખુદ બિગ બોસને વચ્ચે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો

બિગ બોસ 19 ની સ્પર્ધક તાનિયા મિત્તલે સોશિયલ મીડિયા પર લાંબી નોટ શેર કરીને મીડિયા રાઉન્ડના કડવા અનુભવો અને તણાવપૂર્ણ વાતાવરણ વિશે કરી ખુલ્લી વાત, જણાવ્યું કે કેવી રીતે તે દિવસ તેમના માટે જીવનનો સૌથી મોટો પાઠ બની રહ્યો.

મુંબઈ : આગામી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 20 ના ભવ્ય પ્રીમિયરની પૂર્વસંધ્યાએ, બિગ બોસ 19 ની જાણીતી સ્પર્ધક તાનિયા મિત્તલે સોશિયલ મીડિયા પર એક વિસ્તૃત અને ભાવનાત્મક નોટ શેર કરી છે. આ નોટમાં તેમણે શો દરમિયાનના મીડિયા રાઉન્ડની યાદો તાજી કરી છે અને એવા ખુલાસા કર્યા છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

તાનિયા મિત્તલે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે જેમ જેમ નવો સીઝન શરૂ થઈ રહ્યો છે, તેમ તેમ તેમના મનમાં જૂની યાદો તાજી થઈ રહી છે. તેમણે તે દિવસને યાદ કર્યો જ્યારે મીડિયાકર્મીઓ ઘરની અંદર પ્રશ્નો પૂછવા આવ્યા હતા. તાનિયાએ લખ્યું કે શરૂઆતમાં તેઓ ખૂબ ઉત્સાહિત હતા કારણ કે તેમને લાગતું હતું કે મુંબઈની મીડિયા તેમને મળવા આવી રહી છે, પરંતુ તેમનો આ આનંદ ટૂંક સમયમાં જ ગાઢ નિરાશામાં પલટાઈ ગયો.

પોતાના અનુભવને વાગોળતા તાનિયાએ કહ્યું કે તેમની સામે અત્યંત આક્રમક અને અઘરા સવાલો ફેંકવામાં આવ્યા હતા, જેનો સામનો કરવા માટે તેઓ જરાય તૈયાર નહોતા. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે તેમના દ્વારા જય શ્રી રામ બોલવા પર લોકોનું હસવું અને કટાક્ષ કરવો તેમને ખૂબ ઠેસ પહોંચાડી ગયો. તાનિયાનું માનવું છે કે સવાલો યોગ્ય કે અયોગ્ય નથી હોતા, પરંતુ પૂછવાની રીત મહત્વની હોય છે, અને તે દિવસે દરેક સવાલ તેમને નીચા દેખાડવા માટે પૂછાઈ રહ્યો હોય તેવું લાગતું હતું.

ઘરની અંદરના માહોલ વિશે વાત કરતા તાનિયાએ દાવો કર્યો કે તે દિવસે આખું ઘર તેમની વિરુદ્ધ થઈ ગયું હતું. તેમણે યાદ કર્યું કે મીડિયા રાઉન્ડ પછી તેઓ રૂમમાં પાછા જઈને ખૂબ રડ્યા હતા અને પોતાની જાતને પ્રશ્ન કર્યો હતો કે તેમણે એવી કઈ ભૂલ કરી છે જેના કારણે બધા તેમને નફરત કરવા લાગ્યા છે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે દર્શકો જે એપિસોડ ટીવી પર જુએ છે તે એડિટ કરેલા હોય છે.

તાનિયાએ જણાવ્યું કે મીડિયા રાઉન્ડનો એક ભાગ તો ટેલિકાસ્ટ જ કરવામાં આવ્યો ન હતો અને ઘણી બાબતો રોકી દેવામાં આવી હતી. વાતાવરણ એટલું બધું ભારે થઈ ગયું હતું કે ખુદ બિગ બોસે વચ્ચે આવીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. અંતમાં તાનિયાએ જણાવ્યું કે આ મુશ્કેલ અનુભવે તેમને વધુ નમ્ર, સમજુ અને સંવેદનશીલ બનાવ્યા છે.

(9:04 PM IST)