<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

સંગીતના જાદુગર મોહમ્મદ રફીનો અનોખો અંદાજ: જ્યારે દિલીપ કુમારની ફિલ્મમાં અવાજ પહેલાં તેમનો ચહેરો સુપરહિટ થયો!

૨૩ વર્ષની ઉંમરે અભિનેતા તરીકે સ્ક્રીન પર દેખાયા હતા રફી સાહેબ; 'જુગ્નુ' અને 'લૈલા મજનુ' ફિલ્મોમાં દાઢીવાળા લુકમાં ગીત ગાતાં જોવા મળ્યો હતો અનોખો અંદાજ

મુંબઈ : હિન્દી સિનેમાના ઇતિહાસમાં પોતાના સુરેખ અને જાદુઈ અવાજથી કરોડો હૃદય પર રાજ કરનારા મહાન ગાયક મોહમ્મદ રફી વિશે એક ખૂબ જ રસપ્રદ અને અજાણી વાત સામે આવી છે. આપણે સૌ તેમને એક મહાન પ્લેબેક સિંગર તરીકે ઓળખીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પોતાની કારકિર્દીની શરૂઆતમાં તેમણે કેટલીક ફિલ્મોમાં એક અભિનેતા તરીકે પણ સ્ક્રીન પર પોતાની હાજરી નોંધાવી હતી! તેમના અવાજની ભવ્ય સફળતા પહેલાં જ બોલિવૂડના પડદા પર તેમનો ચહેરો જાણીતો બની ગયો હતો.

'જુગ્નુ' ફિલ્મમાં દિલીપ કુમાર સાથે દેખાયા

વર્ષ ૧૯૪૭માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'જુગ્નુ'માં, જેનું દિગ્દર્શન શૌકત હુસૈન રિઝવીએ કર્યું હતું અને સંગીત ફિરોઝ નિઝામીએ આપ્યું હતું, તેમાં ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર અને નૂરજહાં મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મના અત્યંત લોકપ્રિય ગીત "વો અપની યાદ દિલાને કો..." ના એક હોસ્ટેલ સીનમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે માત્ર ૨૩-૨૪ વર્ષના યુવાન મોહમ્મદ રફી પણ સ્ક્રીન પર પોતે એક પંક્તિ ગાતાં સ્પષ્ટપણે દેખાય છે.

'લૈલા મજનુ'માં દાઢીવાળા લુકમાં પ્રથમ ઓનસ્ક્રીન દેખાવ

રફી સાહેબનો અભિનેતા તરીકેનો પહેલો ઓનસ્ક્રીન દેખાવ ૧૯૪૫ની ફિલ્મ 'લૈલા મજનુ'માં જોવા મળ્યો હતો. નઝીરના દિગ્દર્શન અને રફીક ગઝનવીના સંગીતથી સજ્જ આ ફિલ્મના પ્રખ્યાત ગીત "તેરા જલવા જિસને દેખા..." માં સ્ટેજ પર ગાતાં ગાયકોના જૂથમાં મોહમ્મદ રફી ખાસ દાઢીવાળા લુકમાં નજરે પડે છે.

અવાજ પહેલાં ચહેરાએ મોહિત કર્યા:

સામાન્ય રીતે ગાયકો બેકગ્રાઉન્ડમાં રહીને પોતાના અવાજનો જાદુ પાથરતા હોય છે, પરંતુ રફી સાહેબે પોતાની ગાયકીની શરૂઆતમાં જ ફિલ્મની ફ્રેમમાં આવીને સાબિત કરી દીધું હતું કે તેમની અંદર એક કુદરતી કલાકાર છુપાયેલો હતો. પડદા પરનો તેમનો આ અંદાજ આજે પણ સંગીતપ્રેમીઓ માટે એક અદ્ભુત યાદગાર ક્ષણ છે.

(8:28 PM IST)