<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

ગોધરાના મણિપુર ગામના 1 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત

અમદાવાદ પહોંચે એ પહેલા જ માસૂમે રસ્તામાં દમ તોડ્યો :પંચમહાલ જિલ્લામાં આ વાયરસથી કુલ 3 બાળકોના મોત થયા :આરોગ્ય વિભાગે સર્વેલન્સ કરી 300 થી વધુ સેન્ડફ્લાય માખીઓ પકડી:ગ્રામ્ય વિસ્તારોમાં દવા છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી હાથ ધરી

પંચમહાલ જિલ્લામાં જીવલેણ ચાંદીપુરા વાયરસ વધુ એક માસૂમનો ભોગ લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના મણિપુર ગામના મહુડી ફળિયામાં રહેતા માત્ર 1 વર્ષના એક માસૂમ બાળકમાં ચાંદીપુરા વાયરસના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

જો કે, બાળકની હાલત વધુ નાજુક બનતા તેને વધુ સઘન સારવાર માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે અમદાવાદ પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ માસૂમે દમ તોડી દીધો હતો.

આ નવા કેસ સાથે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. તબીબી અહેવાલો અનુસાર, જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના પોઝીટીવ  આવેલા 2 બાળકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે આ ત્રીજા બાળકનું શંકાસ્પદ લક્ષણો સાથે મોત નીપજ્યું છે. આમ, વાયરસના કારણે કુલ 3 બાળકોના મોત થતાં સ્થાનિક ગ્રામીણ વિસ્તારોમાં વાલીઓ અને પ્રજામાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

માસૂમ બાળકોના સતત થઇ રહેલા મરણને પગલે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સહાથ ધરવામાં આવ્યું છે. આ વાયરસ ફેલાવવા માટે જવાબદાર એવી 300 થી વધુ સેન્ડફ્લાય માખીઓ તપાસ માટે પકડી પાડવામાં આવી છે.

આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં આ જીવલેણ માખીના ઉપદ્રવને અટકાવવા માટે મોટા પાયે જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગ અને આરોગ્યની સંયુક્ત ટીમો દ્વારા કાચા અને પાકા મકાનોની દિવાલોમાં રહેલી તિરાડો પૂરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેથી આ માખીઓ પોતાના ઘર ન બનાવી શકે.

(7:54 PM IST)