News of Saturday, 16th May 2026
છ વર્ષમાં ૨૪૦ દાતાઓ દ્વારા ૧૦૩૨ અંગો-પેશીઓનું દાન
સમગ્ર દેશમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બની :કુલ ૨૪૦ અંગદાતાઓ દ્વારા ૭૯૪ અંગોનું દાન પ્રાપ્ત થયું છેઃ આ ઉપરાંત ૧૯૪ ચક્ષુ અને ૪૪ ત્વચા (સ્કીન) સહિત કુલ ૨૩૮ પેશીઓનું દાન મળ્યું

અમદાવાદ તા.૧૬: સમગ્ર દેશમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બની છે. જ્યાર મહેસાણાના એક ૨૯ વર્ષીય બ્રેઈનડેડ યુવાનના પરિવારે અંગદાનનો ઉમદા નિર્ણય લઈને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની ભેટ આપી છે. જેના પગલે છ વર્ષમાં કુલ ૧૦૩૨ અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ વર્ષોમાં કુલ ૨૪૦ અંગદાતાઓ દ્વારા ૭૯૪ અંગોનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ૧૯૪ ચક્ષુ અને ૪૪ ત્વચા (સ્કીન) સહિત કુલ ૨૩૮ પેશીઓનું દાન મળ્યું છે આમ, કુલ ૧૦૩૨ અંગો અને પેશીઓનું દાન મેળવીને સિવિલ હોસ્પિટલ દ્વારા અનેક પરિવારોમાં ખુશીઓ પાછી લાવવામાં નિમિત્ત બની છે.
આ અંગે મળતી વિગતો મુજબ મહેસાણા જિલ્લાના વતની અને વ્યવસાયે ડ્રાઈવર ૨૯ વર્ષીય ધર્મેન્દ્ર દરબારને ગત ૪ મે ૨૦૨૬ ના રોજ કડી પાસે માર્ગ અકસ્માત નડ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મેડિસિન વિભાગના ડો. જીતુ પરીખ અને તેમની ટીમ દ્વારા સઘન પ્રયત્નો કરવા છતાં ૧૪ મેના રોજ તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કરવામાં આવ્યા હતા.
આ દુઃખની આ ઘડીમાં જાગૃત નાગરિક પી.એસ. પટેલ અને પરિવારના સભ્યો મહેન્દ્રભાઈ ઝાલા તથા લાલસિહ ઝાલાની સમજાવટથી, ધર્મેન્દ્રભાઈની પત્ની અને ભાઈ-બહેને અંગદાન માટે સંમતિ આપી હતી. આ નિર્ણયને પગલે એક લીવર અને બે કિડનીનું દાન પ્રાપ્ત થયું છે, જે ત્રણ ગંભીર દર્દીઓને નવું જીવન આપશે.
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રાપ્ત થયેલા અંગોમાં ૪૪૩ કિડની, ૨૧૪ લીવર, ૭૬ હૃદય, ૩૪ ફેફસાં, ૧૯ સ્વાદુપિંડ, ૦૬ હાથ તેમજ ૦૨ નાના આંતરડાના દાનનો સમાવેશ થાય છે. આ અંગદાનના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ પરિવારોમાં જીવન જીવવાની નવી આશાનો સંચાર થયો છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
