તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 6th July 2026
અમરેલીના રાજુલામાં ૧૦.૭૯ ઇંચઃ નર્મદા ડેમ ૬૪.૫૭ ટકા ભરાયો
છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૪ તાલુકાઓમાં મેઘમહેર વચ્ચે ડેમ હાઈ એલર્ટ પર ૮૦ રસ્તાઓ બંધઃ ૭૭૭ લોકોનું સ્થળાંતરઃ વીજળી-એસટી બસ સેવા પ્રભાવિત થતાં NDRF-SDRF ૩૫ ટીમો તૈનાતઃ ધારીમાં ૮ ઈંચઃ ખાંભામાં ૭ ઈંચ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં ચોમાસુ-૨૦૨૬ની સિઝન સત્તાવાર રીતે જામી ગઈ છે. આજ સવારના ૧૦:૦૦ વાગ્યા સુધીના સંકલિત અહેવાલ મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ એકંદર ૧૫૬.૮૭ મિમિ વરસાદ નોંધાયો છે, જે કુલ સરેરાશ વરસાદની સામે ૧૭.૨૬ ટકા જેટલો થવા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ૩૨ જિલ્લાના ૧૬૪ તાલુકાઓમાં સરેરાશ ૧૮.૧૨ મિમિ વરસાદ ઝીંકાયો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ૯ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદઃ રાજ્યના વિવિધ ઝોન પર નજર કરીએ તો રીજીયન વાઈઝ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે.
સૌરાષ્ટ્રઃ છેલ્લા ૨૪ કલાકમાં ૩૪.૫૩ મિમિ સાથે કુલ ૧૭૭.૮૧ મિમિ વરસાદ (૨૩.૩૩્રુ) થયો છે.
દક્ષિણ ગુજરાતઃ છેલ્લા ૨૪ કલાકમાં ૨૪.૮૦ મિમિ સાથે કુલ ૩૨૧.૧૬ મિમિ વરસાદ (૨૦.૮૩%) નોંધાયો છે.
પૂર્વ મધ્ય ગુજરાતઃ કુલ ૧૦૧.૧૧ મિમિ વરસાદ (૧૨.૩૫%) નોંધાયો છે.
ઉત્તર ગુજરાતઃ કુલ ૭૬.૧૧ મિમિ વરસાદ (૧૦.૪૨%) નોંધાયો છે.
કચ્છઃ સૌથી ઓછો ૨.૧૦ મિમિ (૦.૪૨%) વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ ૨૭૪ મિમિ (૧૦.૭૯ ઇંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય ધારીમાં ૨૩૪ મિમિ (૯.૨૧ ઇંચ), ખંભામાં ૧૭૩ મિમિ (૬.૮૧ ઇંચ), ડાંગના સુબિરમાં ૧૩૧ મિમિ (૫.૧૬ ઇંચ) અને સાવરકુંડલામાં ૧૨૮ મિમિ (૫.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે સવારના ૦૬ થી ૧૦ વાગ્યા દરમિયાન વલસાડના ધરમપુરમાં ૧૨ મિમિ અને કપરાડામાં ૮ મિમિ વરસાદ નોંધાયો છે.
જળાશયોની સ્થિતિઃ નર્મદા ડેમ ૬૪ ટકાથી વધુ ભરાયો, ૬ ડેમ હાઈ એલર્ટ પર
ભારે વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૨,૧૫,૭૧૧ mcft પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના ૬૪.૫૭ ટકા છે. ડેમમાં હાલ ૨૭,૨૧૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩૭.૬૩ ટકા પાણીનો સંગ્રહ છે, જેમાંથી ૨ ડેમ સંપૂર્ણ ૧૦૦ ટકા ભરાઈ ચૂક્યા છે અને ૧૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે.
પાણીની અસાધારણ આવકને કારણે ૬ ડેમ હાઈ એલર્ટ, ૭ ડેમ એલર્ટ અને ૭ ડેમ વોર્નિગ પર છે.
હાઈ એલર્ટ ડેમઃ ધાતરવડી (અમરેલી - ૧૦૦%), સૂરજવાડી (અમરેલી - ૧૦૦%), માલણ (ભાવનગર - ૯૭.૪૭%), ખોડિયાર (અમરેલી - ૯૬.૮૩%), રાયડી (અમરેલી - ૯૫.૨૪%) અને ધોળીધજા (સુરેન્દ્રનગર - ૯૪.૦૧%).
એલર્ટ ડેમઃ ધાતરવડી-૨, વણાકબોરી, દોસવાડા, રોજકી, વંસલ, બાંટવા-ખારો અને રાવલ.
વોર્નિંગ ડેમઃ શેલ-દેદુમલ, વેણુ-૨, રંગહોળા, શરણ, આજી-૨, સુખી અને કાલાઘોઘા. બચાવ કામગીરી અને જનજીવન પર અસર ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૭૭૭ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં ગીર સોમનાથના ૪૩૦ અને જૂનાગઢના ૨૯૭ લોકો સામેલ છે. આ ઉપરાંત કુલ ૬૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં ડાંગમાંથી સૌથી વધુ ૪૧ લોકોને બચાવી લેવાયા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની ૧૦ ટીમો અને SDRFની ૨૫ પ્લાટુન તૈનાત કરી દેવામાં આવી છે, જ્યારે ૪ NDRF અને ૮ SDRF ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ વાહનવ્યવહાર માટે રાજ્યના કુલ ૮૦ રસ્તાઓ બંધ થયા છે, જેમાં અમરેલી જિલ્લાના સૌથી વધુ ૨૮ રસ્તાઓ (૫ સ્ટેટ હાઈવે સહિત) બંધ છે. એસટી નિગમ (GSRTC) દ્વારા ભાવનગર અને જૂનાગઢ વિભાગના કેટલાક રૂટો બંધ કરાતા કુલ ૪૯૦ ટ્રિપો રદ કરવી પડી છે, જેનાથી નિગમને રૂ. ૧,૦૫,૨૨૧ ની આવકનું નુકસાન થયું છે. વીજળી વિભાગ (GUVNL) ના જણાવ્યા મુજબ, વરસાદથી પ્રભાવિત ૨,૮૦૪ ગામોમાંથી ૨,૭૩૮ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે, જ્યારે ૬૬ ગામોમાં હજુ પણ કામગીરી બાકી છે. કુલ ૫,૧૯૩ ફીડરોમાંથી ૪૧૪ ફીડરો અને ૫,૧૧૧ વીજ થાંભલાઓમાંથી ૮૪૯ થાંભલાઓ ઊભા કરવાના હજુ બાકી છે.
કૃષિ પાકોનું વાવેતરઃ ખરીફ-૨૦૨૬ની સીઝન હેઠળ ૨૯ જૂન ૨૦૨૬ સુધીની સ્થિતિએ રાજ્યમાં કુલ ૧૨,૭૧,૮૦૭ હેક્ટરમાં વાવેતર સંપન્ન થયું છે, જે સામાન્ય વિસ્તારના ૧૪.૯૧ ટકા છે. જેમાં સૌથી વધુ કપાસનું વાવેતર ૬,૮૩,૫૫૪ હેક્ટરમાં (૨૮.૬૮%) અને મગફળીનું વાવેતર ૪,૧૨,૭૯૫ હેક્ટરમાં (૨૧.૫૫%) થયું છે. આ સિવાય ડાંગરનું વાવેતર ૧૯,૩૨૪ હેક્ટરમાં નોંધાયું છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
