<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

108ની ટીમ બની દેવદૂત :ભારે વરસાદ અને જંગલના અત્યંત જોખમી રસ્તાઓ પર પગપાળા ચાલીને દર્દીનો જીવ બચાવ્યો

કટોકટીની પળોમાં 108 ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ જરાય હિંમત હાર્યા વિના અપ્રતિમ સાહસ દાખવ્યું

નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં કુદરત કોપાયમાન હોય તેમ ચોમાસાની તોફાની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારના ગાઢ જંગલોમાં એક ગંભીર દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કોઈ રસ્તો બચ્યો ન હતો. ભારે વરસાદ અને કાદવથી ખદબદતા માર્ગોના કારણે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકે તેમ ન હતી, પરંતુ દર્દીનો જીવ બચાવવો અનિવાર્ય હતો.

આવી કટોકટીની પળોમાં 108 ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ જરાય હિંમત હાર્યા વિના અપ્રતિમ સાહસ દાખવ્યું હતું. તેમણે સ્થાનિક પરિસ્થિતિને સમજીને તુરંત જ દેશી જુગાડથી એક ઝોળી તૈયાર કરી હતી. વરસતા વરસાદ અને ગોઠણસમા કાદવ વચ્ચે બંને જાંબાઝ કર્મચારીઓએ દર્દીને ઝોળીમાં બેસાડ્યા હતા. ત્યારબાદ જંગલના અત્યંત જોખમી અને લપસણા માર્ગો પર પગપાળા ચાલીને, મુશ્કેલ રસ્તો પાર કરીને દર્દીને સુરક્ષિત રીતે મુખ્ય રોડ પર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા.

 

એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા બાદ દર્દીને કોઈ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો છે. પોતાની જાનના જોખમે અને ધોધમાર વરસાદ વચ્ચે ફરજ બજાવનારા આ બંને કર્મચારીઓની સરાહનીય કામગીરીને સ્થાનિક ગ્રામજનોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે. 108 ની આ કામગીરીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ઇમરજન્સી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે હંમેશા તત્પર રહે છે.

(1:20 PM IST)