<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

સવારે ૧૧ વાગ્યે: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યનો સંગ્રામ: ૧૫ મહાનગરપાલિકાઓ સહિત ૧૦ હજારથી વધુ બેઠકો પર પ્રમાણમાં ધીમી ગતિએ મતદાન ચાલુ

 રાજકોટ: આજે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ગુજરાતની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની કુલ ૧૦,૦૦૫ બેઠકો માટે સવારના ૭ વાગ્યાથી જ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના ૪.૧૯ કરોડ નોંધાયેલા મતદારો આજે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. રાજકોટમાં સવારે ૪ કલાકમાં આશરે ૧૫% મતદાન થયું છે અને કોંગ્રેસના ઉમેદવાર સહિત ૨૦ કાર્યકરોની અટકાયત થઈ છે.

 

ગુજરાત રાજ્યમાં આજે ૨૬ એપ્રિલના રોજ લોકશાહીનો મોટો ઉત્સવ મનાવાઈ રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ રાજ્યની રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર સહિત ૧૫ મહાનગરપાલિકાઓ (જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ વગેરે પ્રથમ વખત મહાનગરપાલિકા તરીકે ચૂંટણી લડી રહ્યા છે), ૮૪ પાલિકાઓ અને પંચાયતોમાં સવારના ૭ વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે. સવારના ૧૧ વાગ્યા સુધીના શરૂઆતી વલણો મુજબ ધીમી પરંતુ મક્કમ ગતિએ મતદાન થઈ રહ્યું છે. બપોર પછી મતદાનની ટકાવારીમાં ઉછાળો આવવાની પૂરી શક્યતા છે. તડકો આજે ભયંકર છે અને ૪૫ ડિગ્રીએ પહોંચે તેવી આગાહી થઈ છે.

 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૧૦૦ ટકા મતદાન કરવા માટે નાગરિકોને ખાસ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે કુલ ૯,૯૯૨ નિયમિત બેઠકો અને ૧૩ પેટાચૂંટણીની બેઠકો મળીને ૧૦ હજારથી વધુ સીટો પર આ જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં ૪ કરોડ ૧૯ લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 

 

ગોધરા સહિત કેટલાક સ્થળોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) ખોટકાવાની પ્રારંભિક ફરિયાદો ઉઠી હતી, પરંતુ ચૂંટણી પંચે તાત્કાલિક ધોરણે મશીનો બદલીને પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ કરાવી છે. આ મહાસંગ્રામના પરિણામો આગામી ૨૮ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે. 

(11:16 AM IST)