તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
રાજ્યના 11 ડેમ હાઈએલર્ટ પર: છ ડેમ છલોછલ : નર્મદા ડેમ 67.04 ટકા ભરાયેલો: જાણો રાજ્યના ડેમની સ્થિતિ
રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 2,28,051 mcft પાણીનો સંગ્રહ:જળસપાટી 70 ટકાથી વધુ વટાવી ચૂકેલા કુલ 13 ડેમોને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા

અમદાવાદ :રાજ્યમાં હાલ પડી રહેલા વરસાદને પગલે ગુજરાતના મહત્વના જળાશયો અને ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. આજે 18 જુલાઈના સવારે 8:00 વાગ્યાના સત્તાવાર રિપોર્ટ મુજબ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 67.04 ટકા ભરાયેલો છે. આ ઉપરાંત રાજ્યના 11 ડેમ હાઈએલર્ટ પર છે.
રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમ (SSNL) માં હાલ 2,23,972 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 67.04 ટકા છે. રિપોર્ટ મુજબ, ડેમમાં હાલ 38,110 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, અને નદીમાં 621 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
- સરદાર સરોવર ડેમ હાલ 67.04% ભરાયેલો
- મહત્તમ સપાટી: 454.98 ફૂટ છે
- હાલની જળસપાટી: 418.20 ફૂટ
નર્મદા ડેમ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 2,28,051 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે તેમની કુલ ક્ષમતાના 40.88% જેટલો છે.
પાણીની સતત આવક અને જળસપાટી વધવાને કારણે વહીવટી તંત્ર દ્વારા ડેમની આસપાસના વિસ્તારો માટે વિવિધ એલર્ટ જારી કરવામાં આવ્યા છે.
રાજ્યના કુલ 11 ડેમોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જેમાં 100 ટકા ભરાઈ ગયેલા ડેમો જેવા કે અમરેલી જિલ્લાના ધાતરવડી અને સુરજવાડી, ભાવનગરના રોજકી અને શેત્રુંજી, સુરેન્દ્રનગરના વાંસલ તથા તાપીના દોસવાડા ડેમનો સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા (88.92%), ભાવનગરના માલણ (87.33%) અને ગીર સોમનાથના રાવળ ડેમ (80.47%) ને 'એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે.
જળસપાટી 70 ટકાથી વધુ વટાવી ચૂકેલા કુલ 13 ડેમોને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે. આ ડેમોમાં ભાવનગરનો ખારો અને હણોલ, અમરેલીનો શેલ-દેદુમલ, પોરબંદરનો સારણ તથા સુરતના લાખીગામ ડેમનો સમાવેશ થાય છે.
વહીવટી તંત્ર દ્વારા તમામ હાઈ એલર્ટ અને એલર્ટ વાળા જળાશયો પર સતત નજર રાખવામાં આવી રહી છે. વધુમાં, નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. સતત મોનિટરિંગ દ્વારા ડેમની સપાટી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
