News of Wednesday, 27th May 2026
ગુજરાતના દરિયાકાંઠેથી 115 કિલો કોકેઈન ઝડપાયું: આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 1000 કરોડ
ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ અને કચ્છ SOGનું સંયુક્ત ઓપરેશન: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ વિરોધી મોટી કાર્યવાહીમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને કચ્છ SOGના સંયુક્ત ઓપરેશનમાં 115 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત લગભગ રૂ. 1000 કરોડ આંકવામાં આવી રહી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત ATS, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને કચ્છ SOG એક ટીમ બનીને કામ કરી રહ્યા છે અને ડ્રગ્સ માફિયાઓ પર કડક કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાત ડ્રગ્સ માટેનું ગેટવે બનશે નહીં.
મંત્રી સંઘવીએ આ ઓપરેશનમાં જોડાયેલા દરેક અધિકારીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ આ જથ્થો દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે વપરાઈ રહ્યો હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે ડ્રગ્સ વિરોધી અભિયાન વધુ સઘન બનાવવામાં આવ્યું છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
