તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
૧૨ સિંહ સ્વસ્થ થતા જંગલમાં મુક્ત, ૫ દેખરેખ હેઠળઃ અર્જુનભાઈ મોઢવાડિયા : જુઓ વિડિયો
શંકાસ્પદ ‘બેબેસિયા' રોગમા ઓબ્ઝર્વેશન હેઠળના ૧૭ વનરાજા પૈકી : એશિયાઈ સિંહોના સ્વાસ્થ્ય માટે સરકાર કટિબદ્ધ, વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ ગુજરાત રાજ્યના વનમંત્રીનું નિવેદન

રાજકોટ, તા., પઃ દેશના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના સ્વાસ્થ્યને લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે મહત્વની માહિતી આપી હતી. મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું કે તાજેતરમાં સ્વાસ્થ્ય તપાસ માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા કુલ ૧૭ સિંહો પૈકી ૧૨ સિંહો સંપૂર્ણપણે સ્વસ્થ જણાતા તેમને કુદરતી આવાસ એટલે કે જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે.
વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે બાકી રહેલા ૫ સિંહોની તબિયત પણ હાલ સ્થિર અને સ્વસ્થ છે. જોકે સાવચેતીના ભાગરૂપે તેમને હજુ થોડા સમય માટે વન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ પાંચેય સિંહોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સંપૂર્ણ ખાતરી થયા બાદ ટૂંક સમયમાં જ તેમને પણ જંગલમાં છોડી દેવામાં આવશે.
મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ ઉમેર્યું કે એશિયાઈ સિંહો માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશનું ગૌરવ છે. તેમના સ્વાસ્થ્ય અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. ગીર અને આસપાસના વિસ્તારોમાં વસતા સિંહોના સ્વાસ્થ્ય પર વન વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત તબીબોની મદદથી ૨૪ કલાક નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ સિંહમાં બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, સમયાંતરે સિંહોના રૂટિન હેલ્થ ચેકઅપ માટે અમુક સિંહોને ઓબ્ઝર્વેશનમાં લેવામાં આવે છે. જરૂરી સારવાર અને દેખરેખ બાદ સ્વસ્થ થતા સિંહોને ફરીથી જંગલમાં તેમના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવે છે. આ પ્રક્રિયા સિંહોના લાંબા આયુષ્ય અને સંવર્ધન માટે અત્યંત જરૂરી છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
