તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ગુજરાતી લોકસાહિત્ય અને પરંપરા મુજબ વરસાદના 12 અનોખા પ્રકારો :જાણો ફરફરથી લઈને બારે મેઘ ખાંગા સુધી મેઘરાજાના વિવિધ સ્વરૂપો
ગુજરાતી ભાષા અને લોકસંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે કે અહીં માત્ર 'વરસાદ' શબ્દ પૂરતો નથી, પરંતુ તેના વેગ, સ્વરૂપ અને તીવ્રતાના આધારે વરસાદને 12 જુદા-જુદા મનોહર નામો આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી છે ત્યારે ચારેય બાજુ મેઘમહેર જોવા મળી રહી છે. આપણી ગુજરાતી ભાષા અને લોકસંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે કે અહીં માત્ર 'વરસાદ' શબ્દ પૂરતો નથી, પરંતુ તેના વેગ, સ્વરૂપ અને તીવ્રતાના આધારે વરસાદને 12 જુદા-જુદા મનોહર નામો આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ કયા છે વરસાદના આ 12 રૂપો અને શું થાય છે તેનો અર્થ:
મેઘરાજાના 12 વિવિધ સ્વરૂપો અને તેનો અર્થ
- ફરફર: આ વરસાદનું સૌથી હળવું સ્વરૂપ છે, જેમાં માત્ર હાથ-પગના રૂંવાડા ભીના થાય તેવો એકદમ ઝીણો વરસાદ પડે છે.
- છાંટા: ફરફર કરતાં થોડા મોટા અને સ્પષ્ટ અનુભવાય તેવા ટીપાં પડે તેને છાંટા કહે છે.
- ફોરા: મોટા ટીપાં સાથેનો વરસાદ, જેમાં પાણીના ટીપાંનું કદ સામાન્ય કરતાં મોટું હોય છે.
- કરા: વરસાદના ટીપાં જ્યારે આકાશમાંથી જ બરફના નાના ટુકડામાં રૂપાંતરિત થઈને જમીન પર પડે તેને કરા કહે છે.
- પછેડીવા: આ એવો સામાન્ય વરસાદ છે જેમાં શરીર પર માત્ર એક પછેડી ઓઢવાથી પણ રક્ષણ મેળવી શકાય છે.
- પાશા મેહ: પવનની ગતિ સાથે માત્ર એક જ બાજુથી પડતો વિશિષ્ટ વરસાદ.
- મોલ મેહ: ખેડૂતો માટે અમૃત સમાન વરસાદ, જે ખેતરના પાકને ખૂબ જ અનુકૂળ આવે છે અને ફાયદો પહોંચાડે છે.
- અનારાધાર: આ વરસાદમાં પાણીની ધાર એટલી નજીક હોય છે કે એક છાંટો બીજા છાંટાને સ્પર્શી જાય છે અને અવિરત ધાર વરસે છે.
- મૂશળધાર (સાંબેલાધાર): અનારાધાર કરતાં પણ વધુ તીવ્ર, જેમાં આકાશમાંથી જાણે સાંબેલા જેવી જાડી ધારો તૂટી પડતી હોય તેવો ભાસ થાય છે.
- હેલી: જ્યારે વરસાદ થોભવાનું નામ ન લે અને સતત બે-ત્રણ દિવસ કે તેથી વધુ સમય સુધી અવિરત ચાલુ રહે, તેને હેલી કહેવાય છે.
- દૂધધાર: એટલો અતિ તીવ્ર અને મુશળધાર વરસાદ કે જે દૂરથી જોતા દૂધ જેવો સફેદ ચાદર જેવો દેખાય છે.
- બારે મેઘ ખાંગા: આ વરસાદનું રૌદ્ર સ્વરૂપ છે. આકાશમાંથી ધોધમાર પાણી તૂટી પડે અને ચારેય તરફ પૂરની સ્થિતિ સર્જાય તેને 'બારે મેઘ ખાંગા' થયા કહેવાય.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
