<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા દેશમાં ખેડૂતો પાસેથી 26 લાખ કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરી: જગદીશભાઈ વિશ્વકર્મા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગોંડલ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું:કોંગ્રેસ ખેડૂતોને ભરમાવવાનો અને આડા રસ્તે દોરવાનો પ્રયાસ કરી રહી છે:કોંગ્રેસના સમયની ટેન્કર રાજની સ્થિતિનો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અંત આવ્યો :ભાજપા માટે ખેડૂતો પ્રાથમિકતા છે, પ્રોપેગન્ડા નહીં:ભાજપાએ ક્યારેય ખેડૂતોનું અહિત કરવાનું વિચાર્યું નથી અને ખેડૂતોના પ્રશ્નોના કાયમી સમાધાન માટે કાર્ય કર્યું છે: જીતુભાઈ વાઘાણી

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા “વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન” અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું હતું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અન્નદાતા એવા ખેડૂતોને વંદન કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની મહેમાનગતિ, આત્મીયતા અને ખેડૂતોનો પ્રેમાળ આવકાર અનેરો અને ગૌરવપૂર્ણ છે. કોઈએ સાચા અર્થમાં આવકાર અને આત્મીયતાનો અનુભવ કરવો હોય તો સૌરાષ્ટ્રની ધરતી પર આવવું જોઈએ. તેમણે ગોંડલના પ્રજાવત્સલ શાસક મહારાજા ભગવતસિંહજીને યાદ કરતાં જણાવ્યું હતું કે તેમના દ્વારા દર્શાવવામાં આવેલું સુશાસનનું મોડેલ આજે પણ પ્રેરણાદાયી અને અનુસરવા યોગ્ય છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ માર્ગ-વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય અને જનસુવિધાઓ કેવી હોવી જોઈએ તેનો ઉત્તમ દાખલો તેમણે પોતાના શાસનકાળ દરમિયાન પ્રસ્થાપિત કર્યો હતો. આવા દુરંદેશી નેતૃત્વથી જ રાજ્યમાં વિકાસની સુવાસ પ્રસરે છે અને પ્રજાના જીવનમાં સુખ-સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત થાય છે. 
 વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનપ્રતિનિધિ તરીકે સેવાના 12 વર્ષ પૂર્ણ કરીને કેન્દ્ર સરકારના નેતૃત્વ હેઠળ 4,399 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને આજે પણ વિકાસના રથને નવી ઊંચાઈઓ તરફ આગળ ધપાવી રહ્યા છે. આ વિકાસયાત્રામાં દેશનો દરેક નાગરિક સહભાગી બન્યો છે.છેલ્લા 12 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે અસંખ્ય લોકહિતકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આજે દેશનું કદાચ જ એવું કોઈ ઘર હશે જ્યાં કોઈને કોઈ સરકારી યોજનાનો લાભ પહોંચ્યો ન હોય. મોદી સરકારની કાર્યપદ્ધતિનો મૂળ આધાર છેવાડાના માનવી સુધી વિકાસ અને કલ્યાણના લાભો પહોંચાડવાનો રહ્યો છે, જેના કારણે સમાજના દરેક વર્ગના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને ગુજરાતના ખેડૂતોના જીવનમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. આજે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે, સિંચાઈની પૂરતી સુવિધા ઉપલબ્ધ બને અને કૃષિને નફાકારક વ્યવસાયમાં રૂપાંતરિત કરવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમણે જણાવ્યું કે ગોંડલ એપીએમસીમાં આશરે ₹12 હજાર કરોડથી વધુનું ટર્નઓવર થાય છે, જે સૌરાષ્ટ્રના કૃષિ અર્થતંત્રની શક્તિ દર્શાવે છે. ખેડૂતોના હિત માટે સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવતી ખરીદીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે દેશમાં 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા 26 લાખ કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરી છે. ગત વર્ષે સમગ્ર ગુજરાતમાં ₹12,646.97 કરોડના મૂલ્યની 17,41,287 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી. ઉપરાંત ₹417.82 કરોડના મૂલ્યની 78,420 મેટ્રિક ટન સોયાબીન, ₹23.74 કરોડના મૂલ્યની 3,044 મેટ્રિક ટન અડદ તથા ₹644.53 કરોડના મૂલ્યની 80,565 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરીને ખેડૂતોને બજારની અનિશ્ચિતતાથી સુરક્ષા આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત “Back to Basic”ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી, આધુનિક ટેકનોલોજી અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને કૃષિને વધુ સમૃદ્ધ બનાવવાનો સમય આવી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની આવક વધારવા, કૃષિને આત્મનિર્ભર બનાવવા અને ગામડાંના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને તેના ઉત્પાદનના સારા ભાવ મળે તેની ચિંતા પ્રધાનમંત્રી મોદીની સરકાર કરી રહી છે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા અને વધુ આવક મેળવવા માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં વિશ્વકર્માએ જણાવ્યું કે આજે કોંગ્રેસ ખેડૂતોને ભરમાવવાનો અને આડા રસ્તે દોરવાનો પ્રયાસ કરી રહી છે,  કોંગ્રેસ ખેડૂતોના નામે રાજનીતિ કરે છે, આ એ જ કોંગ્રેસ છે જેણે તેની સરકારમાં ખેડૂતોને ગોળીઓ ધરબી હતી. તેના જ્યારે ભાજપ સરકાર ખેડૂતોને સન્માન અને સુરક્ષા આપવાના માર્ગે આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોના ખાતામાં દર વર્ષે સીધી આર્થિક સહાય જમા થાય છે અને સાચા અર્થમાં ખેડૂતોનું સન્માન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં એ દિવસો હતાં જ્યારે અમદાવાદ-ગાંધીનગરથી ટ્રેનને લીલી ઝંડી અપાતી, પણ એ ટ્રેનમાં પેસેન્જર નહીં, પાણીના ટેન્કર આવતા હતા. રાજ્યમાં ટેન્કર રાજની સ્થિતિ હતી, જ્યારે ભાજપ સરકાર અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ ટેન્કર રાજનો અંત આવ્યો છે, ગામડે-ગામડે, ખેતરે-ખેતરે પાણી પંહોચ્યું છે.
ગુજરાતના વિકાસની યાત્રાનો ઉલ્લેખ કરતાં વિશ્વકર્માએ જણાવ્યું કે આજે જે પાણી અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે તેની પાછળ લાંબી સંઘર્ષગાથા રહેલી છે. આજથી 25 વર્ષ પહેલાં માતા-બહેનોને માથે બેડાં ઊંચકી પાણી લેવા જવું પડતું હતું અને સિંચાઈ માટે દૂર દૂર સુધી કોઈ વ્યવસ્થા નહોતી. જો લૌહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું સરદાર સરોવર ડેમ નું સપનું સાકાર ન થયું હોત અને નર્મદા યોજના આગળ ન વધી હોત તો આજે ગુજરાતના અનેક ખેડૂતોને હિજરત કરવાની ફરજ પડી હોત. તેમણે યાદ અપાવ્યું કે એક સમય એવો હતો જ્યારે સૌરાષ્ટ્રમાં પાણીની એટલી અછત હતી કે ત્યાં દીકરી આપવાનું પણ લોકો ટાળતા હતા. ધંધુકા વિશે તો કહેવત પ્રચલિત હતી કે “ગોળીએ દેજો પણ ધંધુકામાં દીકરી ન દેતા”, કારણ કે ત્યાં પાણીની ભારે તંગી હતી. આવી વિકટ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કર્યું હતું. સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવા માટે પણ તેમણે ઉપવાસ સુધીનો સંઘર્ષ કર્યો હતો. આજે ગુજરાતમાં ઘેરઘેર પીવાનું પાણી અને ખેતરમાં સિંચાઈનું પાણી પહોંચે છે તો તેનો મોટો શ્રેય નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વને ફાળે જાય છે.

વિશ્વકર્માએ ખેડૂતો માટે અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કુસુમ સોલર પંપ સબસિડી, નમો ડ્રોન દીદી યોજના, ટ્રેક્ટર ખરીદી સહાય, તાર ફેન્સિંગ માટે સબસિડી તથા સ્માર્ટફોન ખરીદી માટે 40 ટકા અથવા રૂ. 6,000 સુધીની સહાય જેવી અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો જે યુરિયાની થેલી રૂ. 266માં મેળવે છે તેની પાછળ કેન્દ્ર સરકારની વિશાળ સબસિડી છે, કારણ કે આ થેલીનો વાસ્તવિક ખર્ચ રૂ. 2,500થી વધુ થાય છે. ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને સરકાર સતત કાર્યરત છે. 145 જેટલી યોજનાઓ ખેડૂતો માટે કાર્યરત છે.
પર્યાવરણ સંરક્ષણના વિષયને સ્પર્શતા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ સંકલ્પનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ. જો દેશના 140 કરોડ નાગરિકો આ સંકલ્પને સાકાર કરે તો પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક ઐતિહાસિક જનઆંદોલન સર્જાઈ શકે. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણનું જતન, જળવાયુ પરિવર્તનની અસરોમાં ઘટાડો અને ભાવી પેઢીઓ માટે હરિયાળું અને સ્વસ્થ ભારત નિર્માણ કરવાનો માર્ગ વધુ મજબૂત બનશે.
રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવાનું કામ વૈશ્વિક નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થતાં સમાજજીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનો, સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી છે તેની ફળશ્રુતિનો હિસાબ જનતા સુધી પહોંચાડવા માટે જનજાગરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાજપા માટે ખેડૂતો પ્રાથમિકતા છે, પ્રોપેગન્ડા નહીં. ભાજપાએ ક્યારેય ખેડૂતોનું અહિત કરવાનું વિચાર્યું નથી અને ખેડૂતોના પ્રશ્નોના કાયમી સમાધાન માટે કાર્ય કર્યું છે. 
તેમણે કહ્યું કે, કમોસમી વરસાદના સમયમાં ખેડૂતોને સહાયરૂપ થવા માટે રૂ. ૧૧ હજાર કરોડનું પેકેજ આપવામાં આવ્યું હતું, જે ઇતિહાસમાં અભૂતપૂર્વ નિર્ણય હતો, જ્યારે કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને સહાય મેળવવા માટે બે-ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડતી હતી.  રાજ્ય સરકારે ઉદારતાપૂર્વક રૂ. ૧૫ હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને સીધો લાભ પહોંચાડ્યો છે. “બગલમાં છુરી, મુખમાં રામ” જેવી માનસિકતા ધરાવનારાઓને ઈશ્વર ક્યારેય સફળતા આપતો નથી. તેમણે જણાવ્યું કે જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે ત્યારે સરકાર તેમની પડખે ઊભી રહી છે અને આગળ પણ રહેશે.
આ કાર્યક્રમમાં રાજય સરકારના મંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે, પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઇ ધડુક, પ્રદેશ કિસાન મોરચના પ્રમુખ હિરેનભાઇ હિરપરા, જિલ્લા ભાજપા અધ્યક્ષ અલ્પેશભાઇ ઢોલરીયા, જિલ્લાના પ્રભારી ભરતભાઇ આર્ય, પુર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યઓ જયશેભાઇ રાદડીયા, રમેશભાઇ ટીલાળા, મહેન્દ્રભાઇ, ગીતાબા જાડેજા, દુર્લભજીભાઇ દેથરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઇ પીપળીયા, સહકારી અગ્રણી ગોરધનભાઈ ધામેલીયા, સહિત હોદ્દેદારઓ, ખેડૂત અને સહકારી અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(6:16 PM IST)