તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઇટના બે મુસાફરો પાસેથી 13 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત
થાઈ એરવેઝની ફ્લાઇટથી આવેલા બે મુસાફરોની ટ્રોલી બેગમાંથી કસ્ટમ્સ AIUએ 13.012 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત કર્યો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ્સ વિભાગ દ્વારા અત્યંત સફળ અને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશથી ગેરકાયદેસર રીતે ડ્રગ્સની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કરતા કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલા બે શંકાસ્પદ મુસાફરોને ઝડપી પાડ્યા છે. આ બંને મુસાફરો થાઈ એરવેઝની ફ્લાઇટ નંબર TG-343 મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા.
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બાતમી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે આ બંને મુસાફરોની ગતિવિધિઓ પર શંકા જતા તેમને તપાસ અર્થે રોક્યા હતા. ત્યારબાદ તેમની ચેક-ઇન ટ્રોલી બેગ્સનું એક્સ-રે સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન બેગની અંદર શંકાસ્પદ વસ્તુઓ હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ બંને ટ્રોલી બેગની સઘન તપાસ કરતા તેમાંથી વેક્યૂમ સીલ કરેલા કુલ 14 પેકેટ મળી આવ્યા હતા.
આ પેકેટ્સમાં રહેલા પદાર્થની પ્રાથમિક તપાસ અને ડ્રગ ડિટેક્શન કિટથી ચકાસણી કરતાં તે હાઇડ્રોપોનિક્સ ગાંજો (Hydroponic Weed) હોવાનું પોઝિટિવ પરિણામ આવ્યું હતું. કસ્ટમ્સ અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતો કુલ 13.012 કિલોગ્રામ હાઇડ્રોપોનિક્સ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.
કસ્ટમ્સ વિભાગ દ્વારા એનડીપીએસ (NDPS Act 1985) કાયદાની કલમો હેઠળ બંને મુસાફરોની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ હાઇડ્રોપોનિક્સ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે અંગેના નેટવર્કને પકડવા માટે કસ્ટમ્સ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
