<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

દેવમોગરા માતાજી મંદિરના વિકાસ માટે ૧૩.૦૨ કરોડના ફેઝ-૨ પ્રોજેક્ટને મંજૂરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આદિવાસી ક્ષેત્રે ધાર્મિક પ્રવાસનને વેગ આપવા નવી ધર્મશાળા અને ગર્ભગૃહના રિનોવેશનને અપાઈ લીલીઝંડી

ગાંધીનગર :નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આસ્થા અને શ્રદ્ધાના પ્રમુખ કેન્દ્ર એવા દેવમોગરા ખાતે શ્રી યાહામોગી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ અને શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. ૧૩.૦૨ કરોડના માતબર ખર્ચવાળા ફેઝ-૨ પ્રોજેક્ટને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.

આ વિકાસ યોજનાની વિસ્તૃત વિગતો આપતા પ્રવાસન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ ફેઝ-૧ અંતર્ગત રૂ. ૧૧.૩૩ કરોડના ખર્ચે ધર્મશાળા, સેન્ટ્રલ વિસ્ટા, ટોઇલેટ બ્લોક, આકર્ષક પથ્થરના પ્રવેશદ્વાર, વિશાળ પાર્કિંગ અને ૨૯૫ દુકાનોનું નિર્માણ કરાયું હતું, અને હવે આ નવા ફેઝ-૨ હેઠળ ટ્રસ્ટની જગ્યામાં અત્યાધુનિક નવી ધર્મશાળા, માતાજીના ગર્ભગૃહની ભવ્ય રિનોવેશન કામગીરી તથા વધુ બે નવા ટોઇલેટ બ્લોક બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટના અમલીકરણથી દેવમોગરા ખાતે દેશભરમાંથી પધારતા હજારો ભક્તો માટે રહેઠાણ અને સ્વચ્છતાની પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે, જેના પરિણામે આદિવાસી ક્ષેત્રમાં ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન મળવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.

આગામી સમયમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ તમામ નિર્માણ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટેની ત્વરિત તજવીજ હાથ ધરવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ વધુ સુવિધાઓ સાથે ઉત્તમ દર્શનનો લાભ મેળવી શકે અને રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવાસન ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થઈ શકે.

(1:12 PM IST)