તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનો ૧૩૬મો હપ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં નાગરિકો સાથે નિહાળ્યો
સેક્ટર-૧ના મહાકાલેશ્વર મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને અમદાવાદના વૃક્ષારોપણ વર્લ્ડ રેકોર્ડ અને કારગિલ વિજય દિવસના શૌર્યને બિરદાવ્યું

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અત્યંત લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' નો ૧૩૬મો હપ્તો રવિવારે પ્રસારિત થયો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના સેક્ટર-૧ ખાતે આવેલા મહાકાલેશ્વર મંદિરના હોલમાં આયોજિત જાહેર નિદર્શન વ્યવસ્થામાં હાજરી આપી હતી. તેમણે ગાંધીનગરના સ્થાનિક નાગરિકો અને યુવા કાર્યકરોની વચ્ચે બેસીને મન કી બાતના આ ખાસ એપિસોડનું શ્રવણ કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન શિવની પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ પણ લીધો હતો.
અમદાવાદના વૃક્ષારોપણ વર્લ્ડ રેકોર્ડની વડાપ્રધાને કરી પ્રશંસા:
પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને વિવિધ ક્ષેત્રોમાં પ્રેરણા આપતી વિગતો શેર કરી હતી. તેમણે ખાસ કરીને અમદાવાદના ભાડજ વિસ્તારમાં લોકસહભાગિતાથી માત્ર એક જ કલાકમાં લાખો રોપાઓ વાવીને સર્જાયેલા વર્લ્ડ રેકોર્ડની વિશેષ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને દેશના દરેક નાગરિકને આવનારી પેઢીને શુદ્ધ, સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય આપવા માટે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા હાકલ કરી હતી.
કારગિલના વીરોને શ્રદ્ધાંજલિ અને દેશની સિદ્ધિઓની સરાહના:
૨૬ જુલાઈના કારગિલ વિજય દિવસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સેના અને સંરક્ષણ દળોના અપ્રતિમ સાહસ તથા શૌર્યને સન્માનપૂર્વક યાદ કર્યા હતા. તેમણે દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ જે ઝડપથી આગેકૂચ કરી રહ્યો છે તેની વિગતો પણ દેશવાસીઓ સાથે સાંકળી હતી. આ ઉપરાંત, રમત-ગમત તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં દેશના યુવાનો દ્વારા મેળવવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ સિદ્ધિઓને પણ તેમણે બિરદાવી હતી.
સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિ:
ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર ભાજપા પ્રમુખ ડૉ. આશિષ દવે, મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, નાગરિક બેંકના ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેટર મહેન્દ્રા દાસ સહિત શહેર સંગઠન પાંખના વિવિધ પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
