News of Saturday, 15th August 2026
અમદાવાદ મનપના હેરિટેજ વિભાગ દ્વારા સાબરમતી નદીના પૂર્વ કિનારે 155 કરોડના ખર્ચે 'હેરિટેજ ટેમ્પલ સર્કિટ'નો માસ્ટર પ્લાન તૈયાર કરાયો
સપ્તર્ષિના આરાથી અટલબ્રિજ સુધીના વિસ્તારમાં 3 તબક્કામાં હેરિટેજ સેન્ટર, ટેમ્પલ પ્લાઝા અને મંદિરોનો જીર્ણોદ્ધાર હાથ ધરાશે.

અમદાવાદ:અમદાવાદના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વધુ લોકપ્રિય તેમજ આકર્ષક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે અંદાજે રૂ. 155 કરોડના ખર્ચે એક ભવ્ય 'હેરિટેજ ટેમ્પલ સર્કિટ' વિકસાવવા માટેનો વિસ્તૃત માસ્ટર પ્લાન AMC ના હેરિટેજ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ ઐતિહાસિક સપ્તર્ષિના આરાથી લઈને આઇકોનિક અટલબ્રિજ સુધીના રિવરફ્રન્ટના સમગ્ર પૂર્વ કિનારાના વિસ્તારને આવરી લેવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે તેને 3 ફેઝમાં વહેંચવામાં આવ્યો છે, જેનાથી નદીકાંઠાના પ્રાચીન ધાર્મિક સ્થળો, ઘાટ અને હેરિટેજ ઇમારતોનું સુંદર નવીનીકરણ અને બ્યુટિફિકેશન કરવામાં આવશે.
માસ્ટર પ્લાન અનુસાર, સપ્તર્ષિના આરા નજીક મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે અદ્યતન હેરિટેજ સેન્ટર બનાવવામાં આવશે, જ્યાં અમદાવાદના પૌરાણિક ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. આ સાથે જ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓને વાહન પાર્ક કરવામાં કોઈ અગવડ ન પડે તે હેતુથી એક વિશાળ મલ્ટીલેવલ પાર્કિંગ સુવિધા પણ ઊભી કરવામાં આવશે.
પ્રોજેક્ટના બીજા અને ત્રીજા તબક્કા હેઠળ વસંત ચોક અને અટલબ્રિજની સામે વિશાળ અને નયનરમ્ય 'ટેમ્પલ પ્લાઝા'નો વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સપ્તર્ષિ ઘાટથી અટલ ઘાટ સુધી આવેલા સદીઓ જૂના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરોનું પરંપરાગત શૈલીમાં નિર્માણ અને જીર્ણોદ્ધાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાકાર થવાથી સાબરમતી નદીનો પૂર્વ કિનારો પ્રવાસન, આધ્યાત્મિકતા અને હેરિટેજ ટુરિઝમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની જશે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
