News of Monday, 21st September 2026
૧,૭૦૦ શેરી નાટકો અને શાળાઓમાં ૪,૫૦૦ નાટયમંચન : ભાજપ દ્વારા ‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ' કાર્યક્રમની જાહેરાત
‘સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત રાજ્યમાં ૨૧ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જાહેરજીવનની સેવાયાત્રાને ૧ હજારથી વધુ કલાકારો અને વિદ્યાર્થીઓ સંવાદ, અભિનય તથા સંગીત દ્વારા રંગમંચ પર જીવંત કરશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ' કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં વિવિધ નાટયપ્રસ્તુતિઓનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાનની ૨૫ વર્ષની સેવા-યાત્રા, જનકલ્યાણના પ્રયાસો અને સુશાસનના વિવિધ પાસાઓને લોકો સમક્ષ જીવંત રીતે રજૂ કરવામાં આવશે.
૧,૦૦૩ ટીમો અને ૧,૦૦૦થી વધુ કલાકારો ભજવશે શેરી નાટકો : રાજ્યમાં ૨૧ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર દરમિયાન વિવિધ વિસ્તારોમાં ૧,૭૦૦ જેટલા શેરી નાટકો યોજવામાં આવશે. આ માટે કલાકારોની ૧૦૩ ટીમો અને ૧,૦૦૦થી વધુ કલાકારો જોડાશે. આ નાટય પ્રસ્તુતિઓ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકેની રાષ્ટ્રસેવા સુધીની યાત્રાના વિવિધ પ્રસંગો અને જનકલ્યાણલક્ષી કાર્યોને સંવાદ, અભિનય, સંગીત અને રંગમંચન દ્વારા કલાત્મક રીતે પ્રસ્તુત કરાશે.
સંવેદનશીલ અને સંગીતમય પ્રસ્તુતિ દ્વારા જનસંવાદ : ‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ' અંતર્ગત નાટય પ્રસ્તુતિઓને સરળ, સંવેદનશીલ અને સંગીતમય સ્વરૂપ આપવામાં આવ્યું છે. કુશળ કલાકારોના જીવંત અભિનય અને પ્રભાવશાળી સંવાદો દ્વારા સેવા, સમર્પણ, અંત્યોદય, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને ઉજાગર કરતા પ્રસંગો સાકાર કરાશે, જેનાથી વિવિધ વિસ્તારોમાં સીધો જનસંવાદ સ્થાપિત થશે.
શાળાઓમાં ૪,૫૦૦ નાટયમંચન : આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરોની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ૪,૫૦૦ જેટલા નાટયમંચન યોજવામાં આવશે. શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાની કલા, અભિનય અને સર્જનાત્મક અભિવ્યક્તિ સાથે પ્રસ્તુતિ કરશે, જેથી યુવા પેઢીમાં રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જાગળતિને વધુ પ્રોત્સાહન મળી રહે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
