<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ગુજરાતમાં જૂન મહિનામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ઘરેલુ હિંસાના 46,696 કોલ આવ્યા

રાજ્યમાં રોજ સરેરાશ 1,500 થી વધુ કોલ: અમદાવાદ જિલ્લો 11,590 કેસ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

અમદાવાદ : મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યમાં ઘરેલુ હિંસાના બનાવોને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. પીડિત મહિલાઓની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે કાર્યરત '181 અભયમ મહિલા હેલ્પલાઇન'ના જૂન મહિનાના સત્તાવાર આંકડા જાહેર થયા છે. આ રિપોર્ટ અનુસાર, રાજ્યમાં ઘરેલુ હિંસાની સ્થિતિ હજુ પણ ગંભીર છે, કારણ કે માત્ર જૂન મહિનાના ટૂંકા ગાળામાં જ રાજ્યભરમાંથી કુલ 46,696 ફોન કોલ દ્વારા મહિલાઓએ મદદની ગુહાર લગાવી છે.

આંકડાકીય વિશ્લેષણ મુજબ, રાજ્યમાં રોજના સરેરાશ 1,557 કોલ અભયમ હેલ્પલાઇન પર નોંધાય છે. આ ફરિયાદો એટલી ગંભીર હોય છે કે, તેમાંથી રોજના સરેરાશ 355 કોલ પર અભયમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવું પડે છે. જૂન મહિનાના કુલ કેસોમાંથી 10,646 કેસોમાં પરિસ્થિતિ વણસતા અભયમની રેસ્ક્યૂ વાન ફરિયાદી મહિલા પાસે મોકલવાની ફરજ પડી હતી, જ્યાં ટીમે સ્થળ પર જઈને કાયદેસરની કાર્યવાહી અને કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું.

આ સરકારી અહેવાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ જોતાં અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં ઘરેલુ હિંસાના કેસોમાં મોખરે રહ્યો છે. અમદાવાદમાંથી સૌથી વધુ 11,590 કોલ આવ્યા હતા અને 2,563 કેસોમાં ગાડી મોકલવી પડી હતી. આ યાદીમાં બીજા ક્રમે સુરત (3,992 કોલ) અને ત્રીજા ક્રમે વડોદરા (3,763 કોલ) રહ્યું છે, જ્યારે સૌથી શાંત ગણાતા ડાંગ જિલ્લામાંથી સૌથી ઓછા 303 કોલ નોંધાયા છે.

(12:08 AM IST)