તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Sunday, 10th May 2026
ઘરેલુ ત્રાસથી પીડિત મહિલાની વહારે આવી 181 અભયમ નર્મદા ટીમ
પતિ દ્વારા થતી હેરાનગતિ મામલે 181 ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કરી બંને પક્ષ વચ્ચે સુમેળભર્યું સમાધાન કરાવ્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામમાંથી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી. મહિલાએ જણાવ્યા મુજબ તેમના પતિ દ્વારા નાની-નાની બાબતોમાં મારઝૂડ કરવામાં આવતી હતી તેમજ અપશબ્દો બોલી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સતત હેરાનગતિથી કંટાળી મહિલાએ 181 અભયમની મદદ માગી હતી.
માહિતી મળતા જ 181 અભયમ નર્મદાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષનું કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના બાળકો નાના હોવાથી ઘરકામ તેમજ બાળકોની જવાબદારીને કારણે ક્યારેક કામમાં મોડું થતું હતું. આ બાબતે પતિ ગુસ્સે થઈ મહિલાની સાથે મારઝૂડ કરતા હોવાનું સામે આવ્યું હતું.
પતિએ ટીમ સમક્ષ જણાવ્યું હતું કે તેઓ નોકરી માટે બહારગામ અપડાઉન કરે છે અને સમયસર ટિફિન તૈયાર ન થતાં ગુસ્સે થઈ જતાં હતાં. ત્યારબાદ 181 ટીમ દ્વારા બંને પક્ષને સમજાવવામાં આવ્યા હતા. ઘરકામ અને બાળકોની જવાબદારી સુમેળથી વહેંચી સમયસર કામગીરી કરવા સલાહ આપવામાં આવી હતી. સાથે જ મહિલાના પતિને હાથ ન ઉપાડવા, અપશબ્દો ન બોલવા તેમજ બાળકોની જવાબદારીમાં સહભાગી બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
181 અભયમ ટીમની સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ બંને પક્ષોએ એકબીજાની લાગણીઓને સમજી ભવિષ્યમાં શાંતિપૂર્ણ રીતે જીવન જીવવાની ખાતરી આપી હતી. આમ, 181 અભયમ નર્મદા ટીમ દ્વારા ઘરેલુ વિવાદમાં સુમેળભર્યું સમાધાન કરાવવામાં આવ્યું હતું.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
