તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
સુરતના જહાંગીરપુરામાં વિદેશી કરન્સી સસ્તા ભાવે આપવાના બહાને વેપારી સાથે ₹18.65 લાખથી વધુની લૂંટ :સનસનાટી
- વોટ્સએપ મેસેજથી શરૂ થયેલી આ છેતરપિંડી ગણતરીના કલાકોમાં ફિલ્મી ઢબે લૂંટમાં ફેરવાઈ ગઈ ; વોટ્સએપ પર 7,000 અમેરિકન ડૉલર એક્સચેન્જ કરાવવા માટેનો મેસેજ આવ્યો: સસ્તા ભાવે ડૉલર મેળવવાની આશાએ વેપારી ઠગોની જાળમાં ફસાઈ ગયા

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વિદેશી કરન્સી સસ્તા ભાવે આપવાના બહાને એક જાણીતા વેપારી સાથે ₹18.65 લાખથી વધુની સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. વોટ્સએપ મેસેજથી શરૂ થયેલી આ છેતરપિંડી ગણતરીના કલાકોમાં ફિલ્મી ઢબે લૂંટમાં ફેરવાઈ ગઈ હતી.
રાંદેરના સુથારવાડ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય અબ્દુલ રહેમાન મોહમદ હાસીયા ધોડદોડ રોડ પર સિક્યોર વર્લ્ડ સર્વિસિસ નામે ફોરેન કરન્સી એક્સચેન્જનો વેપાર કરે છે. 15 મેના રોજ તેમના વોટ્સએપ પર 7,000 અમેરિકન ડૉલર એક્સચેન્જ કરાવવા માટેનો એક મેસેજ આવ્યો હતો. સસ્તા ભાવે ડૉલર મેળવવાની આશાએ વેપારી ઠગોની જાળમાં ફસાઈ ગયા હતા.
ઠગોએ વેપારી અબ્દુલ રહેમાનને કરન્સી એક્સચેન્જ કરવા માટે જહાંગીરપુરાની લક્ષ્મી નોવા રેસિડેન્સી પાસે બોલાવ્યા હતા. વેપારી ત્યાં પહોંચતા જ આરોપીઓએ તેમને લાલ રંગની i20 કારમાં બેસાડ્યા હતા. વેપારી કારમાં બેઠા કે તરત જ આરોપીઓએ તેમની પાસે રહેલી કરન્સી ભરેલી બેગ આંચકી લીધી હતી અને કારને સીધી હજીરા-સાયણ હાઈવે તરફ દોડાવી મૂકી હતી.
આરોપીઓએ વેપારીને બંધક બનાવી રાખ્યા બાદ, મલગામાં ગામ નજીક એક સૂમસામ અવાવરુ રસ્તા પર કારમાંથી નીચે ઉતારી દીધા હતા. વચન આપ્યા મુજબના અમેરિકન ડૉલર આપ્યા વગર જ લૂંટારુઓ કરોડોની મત્તા (ભારતીય અને વિદેશી કરન્સી) લઈને રફુચક્કર થઈ ગયા હતા.
લૂંટારુઓ વેપારીની બેગમાંથી ભારતીય ચલણ સહિત અલગ-અલગ દેશોની કરન્સી લૂંટી ગયા હતા:
રોકડા રૂપિયા: ₹13,00,000
બ્રિટિશ પાઉન્ડ: 3,200
યુરો: 1,100
મેક્સિકન પૈસો: 4,700
મલેશિયન રીંગીટ: 1,100
આ ઘટના બાદ ભયભીત થયેલા વેપારીએ તાત્કાલિક પોતાના મિત્રનો સંપર્ક કર્યો હતો અને તેમની મદદથી સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે લાલ રંગની i20 કાર અને લૂંટારુ ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
