<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ 2 શંકાસ્પદ દર્દીઓ દાખલ

પંચમહાલ અને વડોદરા ગ્રામ્યના બાળકોની સારવાર શરૂ. જાણો લક્ષણો અને સાવચેતીના ઉપાયો

વડોદરાની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાંદીપુરા વાયરસના વધુ બે શંકાસ્પદ કેસો નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. નવા નોંધાયેલા બંને બાળકોના બ્લડ સેમ્પલ લઈને લેબોરેટરી ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.

મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના એક 7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સિવાય વડોદરા ગ્રામ્ય વિસ્તારની એક 2 વર્ષની બાળકીમાં પણ શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. હાલ બંને બાળકોને નિષ્ણાત તબીબોની ખાસ દેખરેખ હેઠળ રાખીને સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

 

 

 

હાલમાં સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા એકંદર 7 બાળકો સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલો પૈકી 4 બાળકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે, જ્યારે 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલ તંત્ર અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

 

ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસ ખાસ કરીને નાના બાળકોને ઝડપથી પોતાની ચપેટમાં લે છે. આ વાયરસ મુખ્યત્વે રેતીમાખી (Sandfly) દ્વારા ફેલાય છે.

મુખ્ય લક્ષણો: બાળકમાં અચાનક તીવ્ર તાવ આવવો, ઉલટી થવી, અતિસાર (ઝાડા) અને ખેંચ (આંચકી) આવવી જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે.

શંકાસ્પદ કેસો વધતા સયાજી હોસ્પિટલનું બાળરોગ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે.

 

 

 

સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સર્વેલન્સ કામગીરી સઘન બનાવવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે-

ઘરની આસપાસ પૂર્ણ સફાઈ રાખવી.

કાચા મકાનો અને તિરાડોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો.

બાળકોમાં તાવ, ઉલટી કે આંચકી જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વગર તુરંત નજીકના સરકારી દવાખાને અથવા હોસ્પિટલમાં સંપર્ક કરવો.

(11:07 PM IST)