<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪૮મું અંગદાન : બાપુનગરના બ્રેઈનડેડ વિરેન્દ્રભાઈ ગોહડીયાના અંગદાનથી ત્રણ દર્દીઓને મળશે નવજીવન : જુઓ વિડિયો

૫૩ વર્ષીય વિરેન્દ્રભાઈના પરિવારે કઠિન ક્ષણોમાં હિંમત દાખવી એક લીવર અને બે કિડનીનું દાન કર્યું : સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૦૬૬ અંગો અને પેશીઓ મેળવી માનવતા મહેકાવી

અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક સફળ અને પ્રેરણાદાયી અંગદાન થતાં હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો ૨૪૮ પર પહોંચ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારના ૫૩ વર્ષીય વિરેન્દ્રભાઈ સોનેરામ ગોહડીયાના બ્રેઈનડેડ જાહેર થયા બાદ તેમના પરિવારે અંગદાન માટે સંમતિ આપતાં એક લીવર તથા બે કિડની સહિત કુલ ત્રણ અંગો પ્રાપ્ત થયા છે. આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં જ સારવાર મેળવી રહેલા ત્રણ અત્યંત જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે.

 

 બ્રેન સ્ટ્રોક બાદ તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા:

આ કેસ અંગે વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વિરેન્દ્રભાઈ ગોહડીયાને હાઈ બ્લડપ્રેશરના કારણે ગત ૧૩ જુલાઈના રોજ અચાનક બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, જેને પગલે તેમને તાત્કાલિક સિંગરવા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ગંભીર સ્થિતિને જોતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલના આઈસીયુ (ICU) માં તબીબોની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી હતી. જોકે, તમામ તબીબી પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા અને તારીખ ૧૬ જુલાઈના રોજ તબીબો દ્વારા તેમને સત્તાવાર રીતે ‘બ્રેઈનડેડ’ જાહેર કરવામાં આવ્યા હતા.

 

 દુઃખની ઘડીમાં પત્ની અનિતાબેને દાખવી અદ્ભુત હિંમત:

વિરેન્દ્રભાઈ બ્રેઈનડેડ જાહેર થતાં જ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. અભિષેક બારોટે તેમના પરિવારજનો સાથે સંવેદનશીલ કાઉન્સેલિંગ કર્યું હતું અને તેમને બ્રેઈનડેડ અવસ્થા તેમજ અંગદાનના સામાજિક મહત્વ અંગે વિગતવાર સમજ આપી હતી. પોતાના સ્વજનને ગુમાવવાની આ અતિ દુઃખદ અને કઠિન ક્ષણોમાં પણ વિરેન્દ્રભાઈના પત્ની અનિતાબેને અદ્ભુત હિંમત અને ઉદારતા બતાવી હતી. તેમણે માનવતાના કલ્યાણ અર્થે પોતાના પતિના અંગદાન માટે ત્વરિત સંમતિ આપી હતી.

 

 IKDRC ખાતે દર્દીઓમાં અંગોનું પ્રત્યારોપણ કરાશે:

પરિવારની લેખિત સંમતિ મળ્યા બાદ મેડિકલ ટીમ દ્વારા સફળતાપૂર્વક મેળવવામાં આવેલા એક લીવર અને બંને કિડનીનું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ખાતે ગંભીર સ્થિતિમાં સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.

 

 સિવિલ હોસ્પિટલનો અત્યાર સુધીનો રેકોર્ડ:

ડૉ. રાકેશ જોષીએ હોસ્પિટલની સિદ્ધિ અંગે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ ખાતે ૨૪૮ અંગદાતાઓ પાસેથી કુલ ૮૨૧ મહત્વના અંગોનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ૧૯૮ ચક્ષુ અને ૪૭ ચામડી (સ્કિન) સહિત કુલ ૨૪ canvas પેશીઓનું દાન મળ્યું છે. આમ, આજદિન સુધીમાં કુલ ૧૦૬૬ અંગો અને પેશીઓનું દાન મેળવીને અનેક પરિવારોના દીવા ઓલાતા બચાવવામાં આવ્યા છે.

અંગદાતાના પરિવારનો હૃદયપૂર્વક આભાર માનતા સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ "અંગદાન મહાદાન" અભિયાનના ૨૪×૭ મહાયજ્ઞમાં સતત કાર્યરત છે. દેશમાં અંગોની પ્રતીક્ષામાં એક પણ દર્દીનું અકાળે મૃત્યુ ન થાય અને કોઈ જીવિત વ્યક્તિને પોતાના સ્વજનને અંગદાન કરવાની ફરજ ન પડે તે માટે કેડેવર ઓર્ગન ડોનેશન અંગે જનજાગૃતિ વધારવા અમારી ટીમ કટિબદ્ધ છે.

(6:45 PM IST)