<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

જન સેવાથી રાષ્ટ્ર સેવાનાં 25 વર્ષ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઊગે છે આશાનો સૂરજ :સિવિલમાં વર્ષ 2009થી 300થી વધારે જટિલ સર્જરી કરાઈ

બ્લેડર એક્ષટ્રોફીની સારવાર માટે સિવિલ મેડી સિટી બની આશાનું વૈશ્વિક કેન્દ્ર :શરીરની બહાર રહેલા મૂત્રાશયની અત્યંત દુર્લભ જન્મજાત ખામીની જટિલ સર્જરી કરીને છેલ્લા 100 દિવસમાં 8 માસૂમોને અપાયું નવજીવન:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સિવિલ હોસ્પિટલને 'મેડી સિટી' બનાવવાના સંકલ્પની દિશામાં વધુ એક માઈલસ્ટોન સર્જાયો

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમદાવાદની સિવિલ હોસ્પિટલને મેડી સિટી બનાવવાનો સેવાકીય સંકલ્પ લીધો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શનમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે નિરંતર આગળ વધી રહી છે અને તાજેતરમાં તેણે એક નોંધપાત્ર માઇલસ્ટોન પાર કર્યો છે. 
છેલ્લા 100 દિવસના ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલે શરીરની બહાર રહેલા મૂત્રાશયની અત્યંત દુર્લભ જન્મજાત ખામીથી પીડાતા આઠ માસૂમોને જટિલ સર્જરી સફળતાપૂર્વક કરીને માત્ર નવજીવન જ નહિ ગૌરવપૂર્ણ જીવનની ભેટ આપી છે. વર્ષ 2009થી સિવિલ હોસ્પિટલમાં આવી 300થી વધારે જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આને લીધે બ્લેડર એક્ષટ્રોફીની સારવાર માટે આજે સિવિલ મેડી સિટી આશાનું વૈશ્વિક કેન્દ્ર બનીને ઊભર્યું છે.
આ જટિલ સર્જરી અંગે વાત કરતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું છે કે જન્મજાત ખામીને કારણે શરીરની બહાર રહેલું મૂત્રાશય—જેને તબીબી ભાષામાં Bladder Exstrophy–Epispadias Complex કહેવાય છે. આવી જન્મજાત ખામી 40-50 હજારમાંથી કોઈ એકાદ બાળકમાં જોવા મળે છે. કન્યા કરતાં દીકરામાં આવી ખામી વધારે નોંધાઈ છે‌. બે-ત્રણ બાળકની સામે એકાદ બાળકીમાં જ આ ખામી જોવા મળે છે.
આ જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે સામાન્ય જીવન જીવવું અશક્ય માનવામાં આવતું હતું, પરંતુ અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળ સર્જનોએ આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે.
છેલ્લા સો જેટલા દિવસોમાં દેશભરમાંથી આવેલા 8 જેટલા આવા બ્લેડર એક્ષટ્રોફીના ગંભીર કેસોમાં અત્યંત જટિલ રી-કન્સ્ટ્રક્શન સર્જરી કરી બાળકોને સામાન્ય અને સુખમય જીવનની અમૂલ્ય ભેટ આપવામાં આવી છે.
સિવિલ મેડી સિટીની સેવા અને સજ્જતાની સુવાસ દેશભરમાં પ્રસરી છે. આ અંગે ડૉ. જોષીએ જણાવ્યું હતું કે છેલ્લા 100 દિવસોમાં થયેલી આઠ સર્જરીઓની વાત કરીએ તો દિલ્હીનો એક દોઢ વર્ષનો માસૂમ બાળક, મુંબઈ -મહારાષ્ટ્રનો 1 વર્ષનો બાળક, ઉત્તર પ્રદેશની એક 4 વર્ષની દીકરી તેમજ ગુજરાતમાંથી  દોઢથી ત્રણ વર્ષની ઉંમરનાં 4 બાળકો તથા કચ્છના એક આઠ વર્ષના બાળકની આ દુર્લભ ખામીની સફળતાપૂર્વક જટિલ પુન:નિર્માણ સર્જરી કરવામાં આવી છે. આ આઠ બાળકોમાંથી પાંચ બાળકો સફળ ઓપરેશન બાદ હસતા-રમતા ઘરે પરત ફર્યાં છે અને બાકીનાં ત્રણ બાળકોને ટૂંક સમયમાં રજા અપાશે.
ખાનગી હોસ્પિટલમાં બ્લેડર એક્ષટ્રોફી સર્જરી અને આશરે એક મહિનો લાંબી સારવારનો ખર્ચ રૂ. 10 લાખ કરતાં વધારે આવી શકે છે, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના સહયોગથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેની સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે, એવું ડૉ. રાકેશ જોષીએ ઉમેર્યું હતું.
માત્ર સર્જરી જ નહીં, સંપૂર્ણ સારવાર અને સંભાળ
બ્લેડર એક્ષટ્રોફી સર્જરીની વાત કરતાં ડૉ. જોષીએ જણાવ્યું હતું કે આ પ્રકારની સર્જરી સામાન્ય ઓપરેશન કરતાં ઘણી અલગ અને પડકારજનક હોય છે. બાળકનું મૂત્ર યોગ્ય રીતે બહાર નીકળે, કિડની સુરક્ષિત રહે અને બાળકના વિકાસ સાથે તે સામાન્ય જીવન તરફ આગળ વધી શકે તે સારવારનો મુખ્ય હેતુ છે.
આ પ્રકારની સર્જરીમાં ઓપરેશન જેટલું જ મહત્ત્વ ઓપરેશન બાદની કાળજીનું હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોને સર્જરી પહેલાંથી લઈને ડિસ્ચાર્જ સુધી નિષ્ણાત ટીમ દ્વારા સતત દેખરેખ આપવામાં આવે છે.
પેલ્વિક ઓસ્ટિઓટોમી એટલે કે  મૂત્રાશયને શરીરની અંદર સ્થાપિત કરવા માટે બાળકના પેલ્વિક વિસ્તારના હાડકાંને યોગ્ય સ્થિતિમાં લાવવા જરૂરી સર્જરી કરવામાં આવે છે. ત્યારબાદ હાડકાં યોગ્ય રીતે જોડાઈ જાય તે માટે દર્દીઓને 28થી 30 દિવસ સુધી એક્સટર્નલ ફિક્સેટર પર રાખી ખાસ કાળજી લઇ દેખરેખ હેઠળ રાખી તેમના હલનચલન ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે.
સર્જરીના 15મા દિવસે યુરીન પાઇપ હટાવી લેવાય છે. 28મા દિવસે બહારથી આપેલ સપોર્ટ દૂર કરી બાળકોને ધીમેધીમે હલનચલન માટે તૈયાર કરવામાં આવે છે. મહત્તમ 40 દિવસની સઘન સારવાર અને સંભાળ બાદ તમામ આઠેય બાળકોને રજા આપવામાં આવી હતી. આજે તમામ બાળકો સામાન્ય જીવન જીવે છે અને હસી-રમી રહ્યાં છે.
2009થી 300+ સર્જરી: સિવિલ મેડી સિટી બની આશાનું વૈશ્વિક કેન્દ્ર
સિવિલ મેડી સિટીએ વર્ષ 2009થી આ જન્મજાત ખામીની સારવારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અત્યાર સુધીમાં અહીં વિદેશી ફેકલ્ટી અને આંતરરાષ્ટ્રીય સર્જનોના સહયોગ સાથે 300થી વધુ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ખાનગી હોસ્પિટલમાં અંદાજે 10 લાખ રૂપિયાનો ખર્ચ ધરાવતી આ સારવાર રાજ્ય સરકારના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે અને આર્થિક બોજ વગર ઉપલબ્ધ બની છે.
સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સનું અદભુત ટીમ-વર્ક
આ જટિલ સર્જરી સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ વચ્ચેના સંકલન થકી જ સફળ થઈ શકે. આ અતિ-જટિલ મિશનને સફળ બનાવવામાં હોસ્પિટલના વિવિધ વિભાગોની ટીમે એક થઈને કામ કર્યું:
પીડિયાટ્રિક સર્જરી ટીમ:
ડૉ. રાકેશ જોષી અને ડૉ. જયશ્રી રામજીની આગેવાનીમાં જટિલ રી-કન્સ્ટ્રક્શન પાર પડ્યું.
ઓર્થોપેડિક્સ ટીમ:
પ્રોફેસર ડૉ. પિયુષ મિત્તલ અને ટીમે નાજુક ઓસ્ટિઓટોમી હાડકાંની સર્જરી સંભાળી.
એનેસ્થેસિયા અને નર્સિંગ ટીમ:
નાનાં બાળકોને કલાકો સુધી સુરક્ષિત બેહોશ રાખવા એનેસ્થેસિયા વિભાગના ડૉક્ટરોની ટીમ અને સર્જરી બાદના 24 કલાક સતત દેખરેખ, પીડાનિયંત્રણ અને દૈનિક સંભાળ લેવામાં નર્સિંગ સ્ટાફે પણ માતૃત્વ જેવો સ્નેહ દર્શાવી સમગ્ર ટીમે સંકલિત કામગીરી કરીને અદ્ભુત ટીમ વર્કનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે

આલેખન: દિવ્યેશ વ્યાસ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

(7:52 PM IST)