<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

અમદાવાદ ગુરુકુળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ અને સેવાના 25 વર્ષ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન

અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અમદાવાદ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ તેમજ તેમના જનસેવાના અદ્ભુત 25 વર્ષ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહોત્સવમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઋષિકુમારો દ્વારા યજ્ઞ અને ગૌપૂજનનું પવિત્ર આયોજન કરવામાં આવ્યું હતું.

રાત્રિના સમયે અમદાવાદ ગુરુકુળ ખાતે ભવ્ય દીપમાળા અને મહાઆરતી યોજાઈ હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

કાર્યક્રમમાં આશીર્વચન આપતા પરમ પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, "નરેન્દ્રભાઈ કોઈ સાધારણ પુરુષ નથી, પરંતુ ઈશ્વરે કોઈ ખાસ કાર્ય માટે તેમને નિમિત્તે આપણી વચ્ચે મોકલ્યા છે. તેઓ એક દિવ્ય જ્યોતિ સ્વરૂપે કાર્ય કરી રહ્યા છે. આજે વિકટ વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ વડાપ્રધાનના મજબૂત નેતૃત્વને કારણે ભારત સમસ્ત વિશ્વમાં શિર ઊંચું કરીને ઊભું છે. આ ભારતનો સુવર્ણ શાસનકાળ છે, જેમાં દેશ આત્મનિર્ભર, સમૃદ્ધ, સ્વસ્થ અને સંસ્કારી બન્યો છે.
 સ્વામીજીએ આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના દેશવિકાસમાં રહેલા અજોડ યોગદાનને પણ યાદ કરી બંને નેતાઓને ગુરુકુળ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉપરાંત, પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેના પોતાના વર્ષો જૂના સંબંધોના સંસ્મરણો વાગોળ્યા હતા.
આ ભવ્ય મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગુરુકુળના સંતો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ખાસ ઉપસ્થિત રહીને ઠાકોરજી સમક્ષ દીપ પ્રાગટ્ય કર્યું હતું અને વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ તથા નિરામય સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી મહાઆરતીનો લાભ લીધો હતો.

કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત અનેક અગ્રણી મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયા હતા.

(11:45 AM IST)