<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ગુજરાતના ૨૫,૦૦૦ કર્મચારીઓ ત્રીજીથી બેંક હડતાળમાં જોડાશે

૧,૨૦૦ કરોડના વ્‍યવહારો ઠપ્‍પ થશેઃ IDBI બેંકનો ૬૦% હિસ્‍સો કેનેડાની ફેયરફેક્‍સ ફાઈનાન્‍સિયલ હોલ્‍ડિંગ્‍સને વેચવાની મંજૂરી મળતા કર્મચારીઓમાં ભારે રોષ

અમદાવાદ,તા.૨૪: બેંકિગ સેવાઓનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે અત્‍યંત મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. આગામી ૩ ડિસેમ્‍બરના રોજ દેશભરની બેંકોના કર્મચારીઓએ રાષ્ટ્રવ્‍યાપી હડતાળનું (Bank Strike) એલાન કર્યું છે. આ હડતાળની સીધી અને વ્‍યાપક અસર ગુજરાતમાં પણ જોવા મળશે. જો તમારે બેંકને લગતા કોઈ અગત્‍યના કામકાજ હોય, તો તે ૩ ડિસેમ્‍બર પહેલા જ પૂર્ણ કરી લેવા હિતાવહ છે, કારણ કે આ દિવસે રાજ્‍યભરની હજારો બેંક શાખાઓમાં કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ જવાની સંભાવના છે.

દેશવ્‍યાપી બેંક હડતાળ પાછળનું મુખ્‍ય કારણ આઈડીબીઆઈ બેંકના (IDBI Bank) હિસ્‍સાના વેચાણનો નિર્ણય છે. સરકાર દ્વારા IDBI બેંકનો ૬૦% હિસ્‍સો કેનેડાની કંપની ફેયરફેક્‍સ ફાઈનાન્‍સિયલ હોલ્‍ડિંગ્‍સને વેચવાની મંજૂરી આપવામાં આવી છે. વિદેશી કંપનીને બેંકનો મોટો હિસ્‍સો સોંપવાના અને ખાનગીકરણના આ નિર્ણયથી દેશભરના બેંક કર્મચારીઓ અને સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્‍યો છે. આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવવા માટે જ તમામ કર્મચારીઓએ ૩ ડિસેમ્‍બરે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે.

આ રાષ્ટ્રવ્‍યાપી હડતાળમાં ગુજરાતના બેંક કર્મચારીઓ પણ મોટી સંખ્‍યામાં સહભાગી થવાના છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતના આશરે ૨૫,૦૦૦ જેટલા બેંક કર્મચારીઓ (Bank Employees) ૩ ડિસેમ્‍બરે કામકાજથી અળગા રહીને હડતાળમાં જોડાશે. આટલી મોટી સંખ્‍યામાં કર્મચારીઓ હડતાળ પર ઉતરવાના કારણે રાજ્‍યમાં આવેલી આશરે ૩,૭૦૦ જેટલી બેંક શાખાઓની કામગીરી પર તેની સીધી અસર પડશે. શાખાઓ બંધ રહેવાથી અથવા સ્‍ટાફની ગેરહાજરીથી સામાન્‍ય ગ્રાહકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

બેંક કર્મચારીઓની એક દિવસની આ હડતાળની સીધી અસર રાજ્‍યના અર્થતંત્ર અને વેપાર જગત પર પણ પડશે. અંદાજ મુજબ, ૩ ડિસેમ્‍બરે હડતાળના કારણે એકલા ગુજરાતમાં જ આશરે ૧,૨૦૦ કરોડ રૂપિયાના નાણાકીય વ્‍યવહારો (Financial Transactions) ઠપ્‍પ થઈ જશે. ચેક ક્‍લિયરિગ, રોકડ ઉપાડ, ડિપોઝિટ અને અન્‍ય મહત્‍વપૂર્ણ બેંકિગ સેવાઓ અટકી પડવાથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્‍ય ખાતેદારોના નાણાકીય કામકાજ અટવાઈ જશે.

બેંક કર્મચારીઓના રોષ અને હડતાળના એલાનને જોતા ૩ ડિસેમ્‍બરે બેંકિગ સેવાઓ સામાન્‍ય રહેવાની શક્‍યતા નહિવત છે. જોકે, ડિજિટલ બેંકિગ અને ઓનલાઈન વ્‍યવહારો ચાલુ રહી શકે છે, પરંતુ શાખામાં જઈને કરવાના થતા કામકાજ જેવા કે ચેક જમા કરાવવા, લોન પ્રક્રિયા કે અન્‍ય દસ્‍તાવેજી કામો અટકી પડશે. તેથી જ ગ્રાહકોને અગવડતાથી બચવા માટે પોતાના જરૂરી બેંકિગ કામો સમયસર અગાઉથી પતાવી લેવા સલાહભર્યું છે.

 

(3:23 PM IST)