<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

સિવિલ હોસ્પિટલમાં ૨૫૯મું અંગદાન: બ્રેઇનડેડ યુવાનના પરિવારની સંમતિથી પ્રાપ્ત થયા ૫ અંગો

રોજગાર અર્થે અમદાવાદમાં સ્થાયી થયેલા ઉત્તરપ્રદેશના યુવાનના અંગદાનથી જરૂરિયાતમંદોને મળશે નવજીવન: ગુજરાત સરકાર અને સિવિલ હોસ્પિટલના સનિષ્ઠ પ્રયાસોથી અંગદાન ક્ષેત્રે ૧૧૨૧ અંગો-પેશીઓ મેળવવાની સિદ્ધિ: બ્રેઈનડેથ બાદ યોગ્ય તબીબી મૂલ્યાંકન અને સંમતિથી અન્ય દર્દીઓને જીવનદાન આપી શકાય છે: ડૉ. રાકેશ જોષી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંગદાનની માનવતાભરી પરંપરાને આગળ ધપાવતું વધુ એક ઉમદા કાર્ય નોંધાયું છે, જેનાથી સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો કુલ આંકડો ૨૫૯ સુધી પહોંચ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરના વતની અને રોજગાર અર્થે ચાંગોદર વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષીય યુવાનને અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થતાં ૨૬ ઓક્ટોબરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોના તમામ શક્ય સારવારના પ્રયાસો છતાં, ૨૮ ઓક્ટોબરના રોજ તેઓને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પતિને ગુમાવવાના અસહ્ય દુઃખ અને ગમગીનીની ઘડી વચ્ચે સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉક્ટર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવતાં, તેમનાં પત્નીએ હિંમત દાખવીને અન્ય દર્દીઓના જીવ બચાવવાના ઉમદા હેતુથી અંગદાન માટે સંમતિ આપી હતી. પોતાના સ્વજનને ગુમાવવાનું દુઃખ હોવા છતાં અન્ય પરિવારોને એ પીડામાંથી બચાવવાનો આ નિર્ણય સમાજ માટે માનવતા અને પરોપકારનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો છે.
આ અંગદાન થકી એક હૃદય, એક લીવર, બે કિડની અને એક સ્વાદુપિંડ (પેનક્રિયાસ) એમ કુલ ૫ અંગો પ્રાપ્ત થયા છે. જેમાંથી લીવર, બે કિડની તેમજ સ્વાદુપિંડને સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં અને હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા છે.
અંગદાનના મહત્વ વિશે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, "બ્રેઈનડેડની સ્થિતિમાં દર્દીના મગજની કામગીરી કાયમી ધોરણે બંધ થઈ જાય છે અને નિર્ધારિત તબીબી પ્રક્રિયા તથા માપદંડો અનુસાર બ્રેઈનડેથની પુષ્ટિ કરાય છે. આવી સ્થિતિમાં યોગ્ય તબીબી મૂલ્યાંકન (એપ્નીઆ ટેસ્ટ) અને સંમતિ બાદ અંગદાન દ્વારા અન્ય દર્દીઓને નવજીવન આપવાની શક્યતા રહે છે."
રાજ્ય સરકાર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોના પરિણામે અંગદાન અભિયાનને મોટો વેગ મળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૯ અંગદાન દ્વારા ૮૬૧ અંગો અને ૨૬૦ પેશીઓ મળીને કુલ ૧૧૨૧ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. જેમાં ૨૩૩ લીવર, ૪૭૮ કિડની, ૨૫ સ્વાદુપિંડ, ૮૩ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં, ૨ નાના આંતરડાં, ૫૨ સ્કિન (ચામડી) અને ૨૦૮ આંખોનો સમાવેશ થાય છે.
અંગદાન એ જ મહાદાન છે, કારણ કે એક વ્યક્તિનું અંગદાન અનેક લોકોને નવજીવન આપી શકે છે.
(મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)

(9:43 PM IST)