News of Wednesday, 15th July 2026
સુરતમાં ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા :20 લાખથી વધુ ભાવિકો જોડાઈ તેવી શક્યતા
રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર સુધી પહોંચશે. રથને રંગબેરંગી ફૂલો, પરંપરાગત સજાવટ અને આકર્ષક શણગારથી સજાવવામાં આવી

સુરત શહેર ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રાના સ્વાગત માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. આવતીકાલે નીકળનારી આ રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. રથને આકર્ષક ફૂલો અને પરંપરાગત શણગારથી સજાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાશે તેવી અપેક્ષા છે. શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત આયોજન માટે પોલીસ અને વહીવટી તંત્રે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર સુધી પહોંચશે. રથને રંગબેરંગી ફૂલો, પરંપરાગત સજાવટ અને આકર્ષક શણગારથી સજાવવામાં આવી રહ્યો છે. ભક્તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન માટે આતુર છે. ગત વર્ષે અંદાજે 15 લાખથી વધુ ભક્તોએ રથયાત્રામાં ભાગ લીધો હતો, જ્યારે આ વર્ષે 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રથયાત્રાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સમગ્ર રૂટ પર 5,500થી વધુ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર માર્ગ પર સતત સર્વેલન્સ કરવામાં આવશે. મહત્વના સ્થળોએ CCTV કેમેરા અને આધુનિક કંટ્રોલ રૂમ મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના બનતા પહેલા જ જરૂરી કાર્યવાહી કરી શકાય.
રથયાત્રા દરમિયાન માત્ર મેદાનમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખવામાં આવશે. સુરત પોલીસની સાયબર ક્રાઇમ ટીમ અફવાઓ, ભ્રામક પોસ્ટ અને ખોટા સંદેશાઓ પર સતત મોનિટરિંગ કરશે. કોઈપણ વ્યક્તિ દ્વારા ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવામાં આવશે તો તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રે ભક્તોને અફવાઓથી દૂર રહી અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે, જેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ શકે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
