<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

અમદાવાદના નારોલ અને દાણીલીમડામાંથી લોડિંગ રિક્ષા ચોરતી ગેંગના 3 આરોપીઓને 2.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા

વાહનચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો : આરોપીઓ પાસેથી નારોલ સર્કલ અને દાણીલીમડાના ફૈઝલનગરમાંથી ચોરાયેલી ૨ લોડિંગ રિક્ષાઓ કબ્જે

અમદાવાદ શહેરમાં વાહનચોરીના બનાવો પર અંકુશ લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી ઝુંબેશમાં મોટી સફળતા સાંપડી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સિસ (ખાનગી બાતમીદારો) ની મદદથી વાહનચોરી ગેંગનો પર્દાફાશ કરી 3 આરોપીઓની અટકાયત કરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી નારોલ સર્કલ અને દાણીલીમડાના ફૈઝલનગરમાંથી ચોરાયેલી ૨ લોડિંગ રિક્ષાઓ કબ્જે કરી છે. જપ્ત કરાયેલા વાહનોમાં એક અતુલ થ્રી-વ્હીલર લોડિંગ ટેમ્પો અને એક બિન્હાસ થ્રી-વ્હીલર લોડિંગ ટેમ્પોનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 2,10,000 અંકાયી છે. આ કામગીરીથી નારોલ અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. અટકાયત કરાયેલા આરોપી ગુલફામ ઉર્ફે ડી.જે. કલામુદ્દીન કમરુદ્દીન કુરેશી વિરુદ્ધ અગાઉ ચોરી અને પ્રોહિબિશન સહિતના ૧૪ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

 

જ્યારે અન્ય આરોપી મોહંમદ શકીલ સિરાજુદ્દીન હિદાયતુલ્લા અંસારી વિરુદ્ધ ભૂતકાળમાં હત્યા જેવા અત્યંત ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીઓ (મોહંમદ શાહરુખ કુરેશી, ગુલફામ કુરેશી અને મોહંમદ શકીલ અંસારી) ની ધરપકડ કરી આગળની કાયદાકીય કાર્યવાહી અને વધુ સઘન પૂછપરછ માટે સંબંધિત સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે

(12:05 AM IST)